Mon Sep 07 2026

Logo

ચીનની કરન્સીમાં વેપાર કરવાની યુએઈની ધમકીથી ડર્યું અમેરિકાઃ કરન્સી સ્વેપ કરવા તૈયાર

WASINTON DC   2026-04-21 20:54:39
Author: Mumbai Samachar Team
ચીનની કરન્સીમાં વેપાર કરવાની યુએઈની ધમકીથી ડર્યું અમેરિકાઃ કરન્સી સ્વેપ કરવા તૈયાર

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે ચલણ વિનિમય (ચલણની અદલાબદલી)ની સંભાવના પર વિચાર કરી રહ્યા છે. જેનો હેતુ આ મધ્યપૂર્વના સાથી દેશને અમેરિકન ડોલર હાંસલ કરવામાં મદદ કરવાનો છે કારણ કે ઈરાન સામેના યુદ્ધના કારણે તેની તેલ સમૃદ્ધ અર્થવ્યવસ્થા હચમચી ગઈ છે. 

નોંધનીય છે કે અગાઉ યુએઈએ ચેતવણી આપી હતી કે જો યુદ્ધના કારણે અમેરિકન ડોલર ઓછા થશે તો તે ચીની ચલણ યુઆન અથવા અન્ય ચલણોમાં તેલ અને ગેસનો વેપાર શરૂ કરશે.

મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ દેશને મદદની જરૂર પડી રહી છે પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના સહયોગીઓની ચિંતા દૂર કરવા માટે આ પગલુ ભરવા માટે તૈયાર છે. મારો અર્થ એ છે કે હું આશ્ચર્યચકિત છું કારણ કે તેઓ ખરેખર ખૂબ જ શ્રીમંત છે. તમે જાણો છો, તેઓ આ દેશ માટે ખૂબ સારા છે. તેથી જો હું તેમને મદદ કરી શકું તો હું કરીશ."

સંયુક્ત આરબ અમીરાત પોતાના તેલ ભંડારોના કારણે શ્રીમંત બન્યું છે. તે પોતાની કરન્સી દિરહામને ડોલર સાથે જોડીને રાખે છે. તે પોતાના ઓઈલને પાઈપલાઈન મારફતે ઓમાનની ખાડી સુધી પહોંચાડવામા સફળ રહ્યા છે પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી દેશની તેલ નિકાસ પર દબાણ આવ્યું છે.

કેપિટલ ઈકોનોમિક્સના નિષ્ણાંત જેસન ટ્યૂવીએ કહ્યું કે યુએઈ પાસે અંદાજે 2.5 ટ્રિલિયન ડોલરની બચત અને સોવરેન વેલ્થ ફંડ છે પરંતુ જો યુદ્ધ લંબાશે તો તે યુએઈની નાણાકીય સ્થિતિમાં રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે તે આ સ્વેપની માંગ કરી શકે છે.