Wed Sep 23 2026

Logo

શું ઇરાન પર કોઇપણ સમયે હુમલો કરશે US? વ્હાઇટ હાઉસમાં હલચલ, ટ્રમ્પની બધી ટ્રિપ કેન્સલ

2026-05-23 09:50:00
Author: Mumbai Samachar Team
શું ઇરાન પર કોઇપણ સમયે હુમલો કરશે US? વ્હાઇટ હાઉસમાં હલચલ, ટ્રમ્પની બધી ટ્રિપ કેન્સલ

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ખતરનાક વળાંક પર પહોંચતો દેખાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એડમિનિસ્ટ્રેશન ઈરાન પર નવા સૈન્ય હુમલા કરવાની તૈયારીમાં લાગેલું છે. જો કે, વાતચીતના રસ્તા હજુ સંપૂર્ણપણે બંધ નથી થયા, પરંતુ વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનમાં વધેલી હલચલને કારણે મોટી સૈન્ય કાર્યવાહીની આશંકા વધી ગઈ છે.

શુક્રવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સંરક્ષણ મંત્રી (ડિફેન્સ સેક્રેટરી) પીટ હેગસેથ, CIA ડાયરેક્ટર જોન રેટક્લિફ અને ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઈલ્સ સહિતના ઘણા મોટા અધિકારીઓ હાજર હતા.

રિપોર્ટ મુજબ, અમેરિકી સેનાના કેટલાક જવાનોની 'મેમોરિયલ ડે'ની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. વિદેશોમાં તૈનાત અમેરિકી સૈન્ય મથકો (મિલિટરી બેઝ) માટે "રિકોલ રોસ્ટર" અપડેટ કરવામાં આવી રહ્યા છે, જેથી કટોકટીના સમયે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

ટ્રમ્પે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા, વ્હાઇટ હાઉસમાં હાજર

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પોતાના તમામ અંગત કાર્યક્રમો રદ કરી દીધા છે. તેઓ ન્યૂ જર્સી સ્થિત બેડમિન્સ્ટર ગોલ્ફ ક્લબ જવાના હતા, પરંતુ અચાનક યોજના બદલીને વોશિંગ્ટન પરત ફર્યા છે. તેમણે પોતાના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં હાજરી આપવાનો કાર્યક્રમ પણ કેન્સલ (રદ) કરી દીધો છે.

ઈરાનને લઈને ટ્રમ્પનો બદલાયેલો મિજાજ

રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ હવે ગંભીરતાથી નવા હુમલાઓ પર વિચાર કરી રહ્યા છે. જો કે તેમણે મંગળવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું હતું કે તેઓ રાજદ્વારી પ્રયાસો (કૂટનીતિ)ને વધુ એક તક આપવા માંગે છે, પરંતુ ગુરુવાર રાત સુધીમાં તેમનું વલણ વધારે કડક થઈ ગયું હતું.

આ દરમિયાન પાકિસ્તાન અને કતર પણ બેકચેનલ ડિપ્લોમેસીમાં સક્રિય થઈ ગયા છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર પણ તેહરાન પહોંચ્યા છે. એવું માનવામાં આવે છે કે આ વાતચીત યુદ્ધ ટાળવાના અંતિમ પ્રયાસોમાંની એક છે. આ બધાની વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતમાં છે.