વોશિંગ્ટન ડીસી: ઈરાનના મિનાબ શહેરમાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા વિનાશક મિસાઈલ હુમલાના મામલે આખરે સત્ય બહાર આવ્યું છે. અત્યાર સુધી જે હુમલા અંગે અનેક તર્ક-વિતર્ક ચાલતા હતા, તેમાં હવે ખુદ અમેરિકી સેનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ હુમલો અન્ય કોઈએ નહીં પણ અમેરિકાએ જ કર્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, આ હુમલામાં 175 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે માનવતા પર મોટો પ્રહાર ગણાઈ રહ્યો છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ટાર્ગેટ નક્કી કરવા માટે જૂના ડેટાનો ઉપયોગ કર્યો હતો. મિનાબ શહેરની 'શાજરાહ તૈયેબા એલિમેન્ટ્રી સ્કૂલ' હકીકતમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ના નેવલ બેઝની નજીક હતી. અમેરિકાએ ટૉમહોક મિસાઈલથી હુમલો કર્યો હતો, પરંતુ ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના જૂના કોઓર્ડિનેટ્સને કારણે મિસાઈલ બેઝને બદલે સ્કૂલ પર જઈને પડી હતી. આ ઘટનાએ અમેરિકી સૈન્યની ઓપરેશનલ સચોટતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ખામી જવાબદાર?
આ આધુનિક યુદ્ધમાં અમેરિકા AI ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરી રહ્યું છે. અહેવાલો મુજબ, અમેરિકી સેના એન્થ્રોપિકના 'ક્લાઉડ' AI મોડલ અને પાલાન્ટિરના 'મેવેન સ્માર્ટ સિસ્ટમ'નો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ ૨૪ કલાકમાં ૧,૦૦૦ જેટલા ટાર્ગેટ શોધવાની ક્ષમતા ધરાવે છે. એવી આશંકા સેવાઈ રહી છે કે AI ટૂલે સ્કૂલના લોકેશનમાં થયેલા ફેરફારને ધ્યાનમાં લીધો ન હતો અથવા ટેકનિકલ ખામીને કારણે આ ભયાનક ભૂલ થઈ હતી.
આ ઘટના બાદ ઈરાને અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ ઘટનાને 'યુદ્ધ અપરાધ' (War Crime) ગણાવી છે. વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ સોશિયલ મીડિયા પર નાની-નાની કબરના ડ્રોન ફૂટેજ શેર કરીને અમેરિકાના આ કૃત્યને બર્બર ગણાવ્યું હતું. આ અહેવાલથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાઓ પણ ખોટા સાબિત થયા છે, જેમાં તેમણે કહ્યું હતું કે ઈરાને પોતે જ પોતાની સ્કૂલ પર બોમ્બમારો કર્યો છે.