ભરત ભારદ્વાજ
ભારત સહિતના રશિયા અને ઈરાન પાસેથી જંગી પ્રમાણમાં ક્રૂડ ઑઇલ અને નેચરલ ગૅસ ખરીદનારા દેશોમાંથી આવતા માલ પર અમેરિકા 100 ટકા ટૅરિફ લાદવાની તૈયારીમાં છે. આ અંગેનો ખરડો લિન્ડસે ઓ ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2026 અમેરિકાની સંસદનાં બંને ગૃહોમાં પસાર થઈ ગયો છે અને ડોનલ્ડ ટ્રમ્પની સહી થતાં જ કાયદો બની જશે.
ટ્રમ્પ અમેરિકાના સમય પ્રમાણે શુક્રવારે આ બિલ પર સહી કરશે એવી અટકળો છે એ જોતાં આ વાંચતા હશો ત્યારે આ ખરડો કાયદો બની ગયો હોય એવું પણ બને. તેનો અમલ ક્યારથી થશે તેનો ફોડ અમેરિકાએ પાડ્યો નથી, પણ ટ્રમ્પની મુનસફી પ્રમાણે અમલ થશે એ જોતાં ટ્રમ્પની સહી સાથે જ ભારત સહિતના દેશો પર તલવાર લટકવા માંડશે એ નક્કી છે.
આ તલવાર ક્યારે પડશે એ નક્કી નથી, પણ અમેરિકાનો આ કાયદો અમેરિકાના બેવડાં ધોરણોનો વધુ એક નાદાર નમૂનો છે. ભારત, ચીન સહિતના દેશોને રશિયા સાથે આર્થિક વ્યવહાર નહીં કરવાની સૂફિયાણી સલાહ આપતું અમેરિકા પોતે રશિયા સાથેના આર્થિક વ્યવહારો સંપૂર્ણ રીતે કાપી નાખવા તૈયાર નથી. ભારત, ચીન સહિતના દેશો રશિયા સાથે વ્યાપાર કરે તો અમેરિકાના પેટમાં ચૂંક ઊપડે છે, પણ અમેરિકા પોતે રશિયા સાથેના વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવા તૈયાર નથી કેમ કે તેમાં તેને નુકસાન છે.
અમેરિકાએ ભારતને પોતાના ઇશારે નચાવવા માટે બનાવેલા લિન્ડસે ઓ ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2026 નામના આ નવા કાયદામાં પણ રશિયા અને અમેરિકા વચ્ચેના લો-એનરિચ્ડ યુરેનિયમનો વ્યાપાર ચાલુ રાખવાની જોગવાઈ છે જ. આ જોગવાઈ અમેરિકા કઈ હદે બેશરમ છે તેનો પણ નાદાર નમૂનો છે. અમે કરીએ એ લીલા ને બીજા કરે એ છિનાળું એવી અમેરિકન માનસિકતાનો વધુ એક પુરાવો છે.
લિન્ડસે ઓ ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2026માં એવી જોગવાઈ છે કે અમેરિકાને જરૂર પડે તો રશિયા પાસેથી લો-એનરિચ્ડ યુરેનિયમ ખરીદી શકે છે. અમેરિકાએ લુચ્ચાઈ કરીને જરૂર પડે તો શબ્દ વાપર્યા છે કે જેથી આખી દુનિયાને બેવકૂફ બનાવી શકાય, પણ વાસ્તવમાં અમેરિકા રશિયા પાસેથી લો-એનરિચ્ડ યુરેનિયમ ખરીદે જ છે. અમેરિકાએ 2024માં પણ આવી લુચ્ચાઈ કરેલી ને ફરી એ જ રંગ બતાવ્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધ ચરમસીમા પર હતું ત્યારે 2024માં યુરોપિયન દેશો યુક્રેનની વહારે ધાવા માટે ઊંચાનીયા થયા કરતા હતા. અમેરિકાએ તેમને ટાઢા પાડવા માટે પ્રોહિબિટિગ રશિયન યુરેનિયમ ઇમ્પોર્ટ ઍક્ટ બનાવી નાખેલો. આ કાયદા દ્વારા અમેરિકામાં લો-એનરિચ્ડ એટલે કે ઓછા સમૃદ્ધ યુરેનિયમની આયાત પર પ્રતિબંધ મુકાયેલો. તેમાં પણ છટકબારી રખાયેલી કે યુએસ પરમાણુ રિએક્ટર અથવા પરમાણુ કંપનીને ટકાવી રાખવા માટે બીજો કોઈ વ્યવહારુ વિકલ્પ ઉપલબ્ધ ન હોય એ સંજોગોમાં કે પછી રાષ્ટ્રીય હિતમાં આયાત જરૂરી લાગે ત્યારે અમેરિકન એનર્જી સેક્રેટરી વિદેશ અને કૉમર્સ વિભાગ સાથે ચર્ચા કરીને રશિયાથી યુરેનિયમની આયાત કરાવી શકે છે.
આ છટકબારીનો લાભ લઈને અમેરિકા હજુ રશિયા પાસેથી યુરેનિયમ ખરીદે છે ને નવા કાયદામાં પણ એ છટકબારી રાખી જ છે કે જેથી અમેરિકાનાં હિતોને જરાય વાંધો ના આવે. 2024ના કાયદા હેઠળ 1 જાન્યુઆરી, 2028 સુધી છૂટ મળેલી છે ને 2028 આવશે ત્યારે ફરી છૂટ આપી દેવાશે. લિન્ડસે ઓ ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ ઑફ 2026 હેઠળ ટ્રમ્પને રશિયાથી અમેરિકામાં આવતા રશિયન સામાન પર 500 ટકા સુધી ટૅરિફ લગાવવાની સત્તા પણ મળી છે, પણ એ સત્તાનો ઉપયોગ રશિયાથી આવતા યુરેનિયમ સામે નહીં થાય.
અમેરિકાના દાંત ચાવવાના અને બતાવવાના જુદા જુદા છે, કેમ કે અમેરિકાને રશિયાના યુરેનિયમ વિના ચાલે એમ જ નથી. અમેરિકામાં વીજળી પેદા કરતાં પરમાણુ ઊર્જા મથકો અને બીજે ઠેકાણે પણ ઉપયોગમાં લેવાતા સમૃદ્ધ યુરેનિયમના લગભગ 25 ટકા યુરેનિયમ રશિયાથી આવે છે. અમેરિકાએ રશિયા પરની નિર્ભરતા ઓછી કરવાની ડંફાશો બહુ મારી પણ એ નિર્ભરતા ઘટતી નથી, કેમ કે દુનિયાના કોઈ દેશ પાસે રશિયા જેટલું યુરેનિયમ પણ નથી ને તેને શુદ્ધ કરવાની ક્ષમતા પણ નથી એટલે જખ મારીને રશિયા પાસેથી યુરેનિયમ લેવું પડે છે.
અમેરિકાની લુચ્ચાઈ પાછી એ છે કે રશિયા પાસેથી પોતે કેટલું યુરેનિયમ ખરીદ્યું તેના આંકડા બહાર પાડતું નથી. રશિયાને તો પોતાને ફાયદો છે એટલે એ પણ આંકડા આપતું નથી તેથી રશિયા અને અમેરિકાની મિલિભગતથી બંનેનો ધંધો ધમધોકાર ચાલે છે. અમેરિકાની લુચ્ચાઈ એ પણ છે કે પોતે રશિયા પાસેથી યુરેનિયમ ખરીદીને આર્થિક મદદ કરે છે એ વિશે એક હરફ ઉચ્ચારતું નથી. અમેરિકાનું કહેવું છે કે ભારત સહિતના દેશો રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ અને નૅચરલ ગૅસ ખરીદીને રશિયાના અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યા છે. ભારત, ચીન સહિતના દેશો રશિયાને જે કમાણી કરાવી રહ્યા છે એ યુક્રેન સામેના યુદ્ધમાં વપરાય છે.
અમેરિકાનું કહેવું છે કે રશિયા યુક્રેનમાં તબાહી વેરી રહ્યું છે તેના માટે આડકતરી રીતે ભારત, ચીન સહિતના રશિયા સાથે આર્થિક સંબંધો રાખનારા દેશો જવાબદાર છે. સવાલ એ છે કે ભારત-ચીન સહિતના દેશો રશિયાને યુદ્ધ માટે રકમ પૂરી પાડે છે તો અમેરિકા યુરેનિયમ ખરીદીને ધર્માદા કરી રહ્યું છે? અમેરિકાથી આવતાં નાણાં રશિયા દરિયામાં નાખી દે છે? યુક્રેન સામેના યુદ્ધમાં નથી વાપરતું?
અમેરિકાનો આ અસલી ચહેરો છે ને આપણે આ ચહેરાને ઓળખવાની જરૂર છે. અમેરિકા કોઈનું સગું નથી ને પોતાના સ્વાર્થ સિવાય તેને કશાની પડી નથી. આપણે અહીં ટ્રમ્પ માય ડિયર ફ્રેન્ડ કહે તેમાં તો ગોળ ગોળ થઈ જઈએ છીએ, પણ ટ્રમ્પ આ બધાં નાટકો પોતાના ફાયદા માટે જ કરે છે એ ભારતે સમજવાની જરૂર છે. ને માત્ર સમજવાથી નહીં ચાલે, પણ ચીનની જેમ જરૂર પડે ત્યારે અમેરિકાને હડધૂત કરતાં પણ શીખવું પડે. અમેરિકા પોતાનાં જ હિતોની ચિંતા કરે છે એ રીતે ભારતે પણ માત્ર ને માત્ર પોતાનાં હિતોની જ ચિંતા કરવાનો અભિગમ અપનાવવો પડે.
અત્યારે આપણી વિદેશ નીતિ અમેરિકાના પગોમાં આળોટી જવાની છે. અમેરિકાને રાજી રાખવા આપણે રશિયા ને ઈરાન સાથેના સંબંધો બગાડીને બેસી ગયા, પણ તેમાં કાંઈ કાંદા કાઢ્યા નથી કેમ કે પોતાનાં હિતો સાચવવા માટે અમેરિકા આપણને ઠમકોરવામાં કોઈ કસર છોડતું નથી. ભારતે પણ એવા જ થવું પડે. આપણે દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છીએ તેનો અહેસાસ અમેરિકાને કરાવવો પડે.