Mon Sep 14 2026

Logo

ઈરાનના પોર્ટ પર અમેરિકાની નાકાબંધી, ક્રૂડના ભાવમાં ફરી ભડકો

Washington DC   2026-04-13 08:44:00
Author: Mayur Patel
ઈરાનના પોર્ટ પર અમેરિકાની નાકાબંધી, ક્રૂડના ભાવમાં ફરી ભડકો

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાને મોટો ઝટકો લાગ્યો છે. એક રિપોર્ટ અનુસાર, બંને દેશો વચ્ચે કૂટનીતિક વાતચીત નિષ્ફળ રહ્યા બાદ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે ફરીથી ભીષણ બોમ્બમારાનો આદેશ આપી શકે છે.  મંત્રણામાં કોઈ ઉકેલ નહીં આવતા સમસમી ઉઠેલા ટ્રમ્પે  ઈરાનના પોર્ટની નાકાબંધી કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે ક્રૂડના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. સીઝફાયરની જાહેરાત બાદ ક્રૂડના ભાવ ગગડ્યા હતા.

આજે ક્રૂડનો ભાવ 8 ટકાથી વધુ ઉછળ્યો હતો અને ફરી 100 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચ્યો હતો. બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ક્રૂડના ભાવમાં ફરી ભડકો થઈ શકે છે અને મોંઘવારીનું જોખમ વધી શકે છે.

પશ્ચિમ એશિયા સંઘર્ષના કારણે બ્રેંટ ક્રૂડની કિંમતમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા ળ્યો છે. ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધ શરૂ થવા પહેલા 70 ડૉલર પ્રતિ બેરલથી વધીને 119 પ્રતિ ડૉલર બેરલને પાર પહોંચી ગયું હતું. શાંતિ વાર્તા પહેલા શુક્રવારે જૂન ડિલિવરી માટે બ્રેંટ 0.8 ટકા ઘટીને 95.20 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું.

 

ઈરાન લાંબા સમયથી વૈશ્વિક ઓઈલ શિપિંગ માટે મહત્વપૂર્ણ જળમાર્ગ હોર્મુઝની ખાડી પર પ્રભાવી નિયંત્રણ રાખે છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, આ નાકાબંધી ઈરાનના પોર્ટ અને કાંઠાના વિસ્તારોમાં પ્રવેશ કરવા કે ત્યાંથી નિકળનારા દેશોના જહાજ સામે નિષ્પક્ષ રીતે લાગુ કરાશે. 

નોંધનીય છે કે વિશ્વમાં વપરાતા ઓઈલનો લગભગ પાંચમો ભાગ દરરોજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઈરાન જેવા અગ્રણી તેલ નિકાસકાર દેશો આ જ માર્ગ પર નિર્ભર છે.

યુદ્ધવિરામ પછીના દિવસોમાં પણ હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર મર્યાદિત રહી છે. મરીન ટ્રેકર્સના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામની શરૂઆતથી અત્યાર સુધીમાં 40થી વધુ વ્યાપારી જહાજોએ આ માર્ગ પરથી અવરજવર કરી છે. અમેરિકાની નાકાબંધીની જાહેરાત બાદ આ વિસ્તારમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં વધુ ઘટાડો થવાની આશંકા છે.