Mon Oct 05 2026

Logo

ઈરાનના પ્રસ્તાવને જેડી વેન્સે ગણાવ્યો 'AI જનરેટેડ', ટ્રમ્પે તેહરાનની તમામ શરતોને ઠોકર મારી.

Washington DC   2026-04-09 10:11:00
Author: Mumbai Samachar Team
ઈરાનના પ્રસ્તાવને જેડી વેન્સે ગણાવ્યો 'AI જનરેટેડ', ટ્રમ્પે તેહરાનની તમામ શરતોને ઠોકર મારી.

 

વોશિંગ્ટન ડીસી: અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના તણાવમાં હવે નવો વળાંક જોવા મળી રહ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ઈરાન વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વના એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જળમાર્ગને ખુલ્લો રાખવા માટે તૈયાર થઈ ગયું છે. વૈશ્વિક તેલ પુરવઠા માટે આ માર્ગ કરોડરજ્જુ સમાન છે. ઈરાન તરફથી મળેલા નવા પ્રસ્તાવને અમેરિકાએ વાતચીત માટે યોગ્ય ગણાવ્યો છે, જે આગામી સમયમાં મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ખુલાસો કર્યો છે કે ઈરાનનો અગાઉનો '૧૦ મુદ્દાનો પ્લાન' એટલો નબળો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે તેને નકારી કાઢ્યો હતો. જોકે, હવે ઈરાને તેમાં સુધારો કરીને નવો પ્રસ્તાવ મોકલ્યો છે. આ નવા પ્લાનને અમેરિકાના '15 મુદ્દાના પ્રસ્તાવ' સાથે જોડીને આગળ વધારવામાં આવશે. જોકે, અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની મુખ્ય શરતોમાં કોઈ બાંધછોડ નહીં થાય; ઈરાને કોઈપણ સંજોગોમાં યુરેનિયમ સંવર્ધન (Uranium Enrichment) બંધ કરવું જ પડશે.

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે હંગરીથી રવાના થતી વખતે એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે ઈરાનનો પહેલો પ્રસ્તાવ એટલો અતાર્કિક હતો કે જાણે તે 'ChatGPT' દ્વારા તૈયાર કરાયો હોય તેવું લાગતું હતું, જેને તરત જ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આવેલો બીજો ૧૦ મુદ્દાનો પ્લાન વધુ અર્થસભર અને તાર્કિક છે, જે અત્યારે અમેરિકા, પાકિસ્તાન અને ઈરાન વચ્ચેની ચર્ચાનો પાયો બન્યો છે. આ જ મુદ્દાઓ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંકેત આપ્યા હતા.

હવે પછીના બે અઠવાડિયા વૈશ્વિક રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વના છે. આગામી શનિવારથી પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં વાતચીતનો નવો દોર શરૂ થશે. આ ગુપ્ત અને જટિલ મંત્રણાનું નેતૃત્વ જેડી વેન્સ પોતે કરશે, જેમના સાથી તરીકે સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ જોડાશે. અમેરિકાને આશા છે કે આ બેઠકોથી સકારાત્મક પરિણામો આવશે. જોકે, આ મંત્રણા ચાલુ રાખવા માટે 'હોર્મુઝ' માર્ગમાં કોઈપણ પ્રકારની દખલગીરી ન હોવી જોઈએ તેવી કડક શરત રાખવામાં આવી છે.