Tue Sep 15 2026

Logo

‘...તો વધુ મજબુત હુમલા કરવામાં આવશે’ ટ્રમ્પની ઈરાનને ધમકી, યુદ્ધ વિરામ નાજુક સ્થિતિમાં

Washington DC   2026-04-09 11:24:00
Author: Savan Zalariya
‘...તો વધુ મજબુત હુમલા કરવામાં આવશે’ ટ્રમ્પની ઈરાનને ધમકી, યુદ્ધ વિરામ નાજુક સ્થિતિમાં

વોશિંગ્ટન ડી સી: મંગળવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે હુમલા બે અઠવાડિયા માટે રોકવાની જાહેરાત કરી હતી, આ જાહેરાતના માત્ર 48 કલાકમાં જ બંને પક્ષો વચ્ચે શાબ્દિક સંઘર્ષ શરુ થઇ ગયો છે, જેને કારણે ચિંતા ફરી વધી છે. ઈરાનના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે.

મંગળવારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈરાને મુકેલો 10 મુદ્દાનો પ્રસ્તાવ યુએસએ મંજુર કર્યો છે, અને બે અઠવાડિયામાં માટે હુમલા બંધ કરવામાં આવશે. ઈરાન દ્વારા રજુ કરવામાં આવેલા પ્રસ્તાવમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે યુએસનો સાથી દેશ ઇઝરાયલ લેબનોન પર હુમલા અટકાવશે, પરંતુ ઇઝરાયલે લેબનોન હુમલા ચાલુ રાખ્યા છે.

ઈરાને આરોપ લગાવ્યા:
બાઘર ગાલિબાફે જણાવ્યું કે 10-મુદ્દાના પ્રસ્તાવમાંથી ત્રણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ઈરાનના ફાર્સ પ્રાંતના લાર શહેરમાં યુએસના ડ્રોન પ્રવેશ્યા હતાં.

ટ્રમ્પની ધમકી:
ઈરાનને જવાબ આપતા ટ્રમ્પે કહ્યું જો બંને પક્ષો વાસ્તવિક કરાર સુધી નહીં પહોંચી શકે, તો વધુ તાકાત સાથે હુમલા શરુ કરવામાં આવશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે કરારને અંતિમ રૂપ આપવામાં ન આવે ત્યાં સુધી યુએસ દળો ઈરાનમાં અને તેની આસપાસ તૈનાત રહેશે.

ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, "તમામ યુ.એસ. જહાજો, વિમાનો અને લશ્કરી કર્મચારીઓ, દારૂગોળા, શસ્ત્રો અને અન્ય સામગ્રી સાથે ઈરાનમાં અને તેની આસપાસ તૈનાત રહેશે, જ્યાં સુધી વાસ્તવિક કરારનું સંપૂર્ણ પાલન ન થાય ત્યાં સુધી ત્યાં જ રહેશે."

ટ્રમ્પે લખ્યું, "જો કોઈ કારણોસર કરાર ન થાય, તો પછી હુમલા ફરી શરુ થશે, એવા હુમલા જે પહેલા ક્યારેય જોયા નહીં હોય.”