Tue Sep 15 2026

Logo

પેરિસમાં અમેરિકા-ચીન વેપાર વાટાઘાટો શરુ: ટ્રમ્પ-બીજિંગની મુલાકાતનો માર્ગ મોકળો...

beijing   2026-03-15 21:36:18
Author: Mumbai Samachar Team
પેરિસમાં અમેરિકા-ચીન વેપાર વાટાઘાટો શરુ: ટ્રમ્પ-બીજિંગની મુલાકાતનો માર્ગ મોકળો...

Swiss Federal Department of Foreign Affairs, via Flickr


બીજિંગઃ પેરિસમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટાઘાટો શરૂ થઇ. બીજિંગ અને વોશિંગ્ટનના પ્રતિનિધિઓએ આજે પેરિસમાં આર્થિક અને વેપાર વાટાઘાટો શરૂ કરી હતી. આ માહિતી ચીનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલમાં આપવામાં આવી હતી.

આ બેઠકની આગેવાની યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને ચીનના નાયબ વડા પ્રધાન હી લાઈફેંગ કરી રહ્યા છે. આ બેઠકો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બીજિંગની રાજ્ય મુલાકાત માટે માર્ગ મોકળો કરે તેવી અપેક્ષા છે. તેઓ લગભગ બે અઠવાડિયામાં ચીનના નેતા શી જિનપિંગ સાથે મુલાકાત કરશે.

વ્હાઇટ હાઉસે કહ્યું કે ટ્રમ્પ ૩૧ માર્ચથી ૨ એપ્રિલ સુધી ચીનની મુલાકાતે રહેશે. જો કે બીજિંગએ હજુ સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષો વેપાર અને આર્થિક મુદ્દાઓ પર પરસ્પરની ચિંતા અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે.

ટ્રમ્પની ચીન મુલાકાત ૨૦૧૭માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની પ્રથમ મુલાકાત પછીની કોઇ પણ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી મુલાકાત હશે. આ મુલાકાત બંને નેતાઓની દક્ષિણ કોરિયાના શહેર બુસાનમાં થયેલી મુલાકાતના પાંચ મહિના બાદ થવા જઇ રહી છે.

આ દરમિયાન વધુ એક મુદ્દે ચર્ચા થઇ શકે છે, તે છે ઈરાન યુદ્ધ ખાસ કરીને જ્યારે તેલના ભાવ અને પુરવઠાને લઇને વૈશ્વિક ચિંતાઓ વધી રહી છે. ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમને આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઇટેડ કિંગડમ અને અન્ય દેશો હોર્મુઝ સામુદ્રધુનીને ખુલ્લી અને સુરક્ષિત રાખવા માટે યુદ્ધ જહાજો મોકલશે.