Wed Aug 19 2026

Logo

અમેરિકામાં ભારતીય મૂળના છોકરાએ ChatGPTથી સર્ચ કરી માતા-ભાઈની કરી હત્યા

Newyork   2026-08-13 13:43:00
Author: Mayur Patel
Article Image

ન્યૂ યોર્કઃ અમેરિકામાં ભારતીય મૂળના 17 વર્ષના છોકરા પર તેની માતા અને નાના ભાઈની હત્યાના આરોપ લાગ્યો છે. એક્ટન શહેરમાં રહેતા અર્જુન અરવિંદની બુધવારે રાતભર ચાલેલા સર્ચ ઓપરેશન બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર તેની માતા સુધા વેંકટેશન (ઉ.વ.45) તથા નાના ભાઈ સિદ્ધાર્થ અંરવિંદ (ઉ.વ.14)ની હત્યાનો આરોપ છે.  પોલીસ મુજબ, અર્જુનના વ્યવહારમાં ચિંતાજનક બદલાવ આવ્યો હતો. તેણે ઈન્ટરનેટ અને ChatGPT પર પરિવારની હત્યા સંબંધિત જાણકારી સર્ચ કરી હતી.

શું છે સમગ્ર મામલો

પોલીસ મુજબ  સુધા વેંકટેશન (ઉ.વ.45) તથા  સિદ્ધાર્થ અંરવિંદ (ઉ.વ.14) મંગળવારે તેમના નિવાસ સ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંનેના શરીર પર ઈજાના નિશાન હતા. હત્યા બાદ અર્જુન માતાની કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યાનું કારણ તથા તેમાં વપરાયેલા હથિયારની જાણકારી હજુ સુધી મળી નથી.

અર્જુન પર અનેક ગંભીર આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર, અર્જુન અરવિંદ પર બે હત્યા, પરિવાર અથવા ઘરના સભ્ય પર હુમલો અને મારપીટના બે કેસ, હુમલા અને મારપીટના અન્ય બે કેસ, પરવાનગી વગર વાહનનો ઉપયોગ કરવા અને મોટર વાહનની ચોરીના આરોપ મૂકવામાં આવ્યા છે. અર્જુન મંગળવારે એક્ટન સ્થિત પોતાના ઘરમાં પોતાની માતા અને નાના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

ઘરમાં મૃત મળ્યા માતા અને પુત્ર

પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે એક્ટનના માર્થા લેન સ્થિત પરિવારના ઘરમાં આ ઘટના બની હતી. આ વિસ્તાર બોસ્ટનથી લગભગ 48 કિલોમીટર દૂર છે. 11 ઓગસ્ટની સાંજે લગભગ 6:37 વાગ્યે એક્ટન પોલીસને અર્જુનના પિતાએ ફોન કર્યો હતો. તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે સંપર્ક કરી શકતા નહોતા. ઘરે આવતા એક ટ્યુટરે પણ પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈની સાથે વાત થઈ શકી નહોતી.

અર્જુનના પિતાની પોતાની પત્ની સુધા સાથે છેલ્લી વાર મંગળવારે સવારે વાત થઈ હતી. બીજી તરફ, તેમના નાના પુત્ર સિદ્ધાર્થને છેલ્લી વાર બપોરના સમયે જોવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે ઘરે પહોંચી તો બંને મૃત મળ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, સિદ્ધાર્થનો મૃતદેહ ઘરના પહેલા માળે મળ્યો હતો, જ્યારે સુધાનો મૃતદેહ બેઝમેન્ટમાંથી મળ્યો હતો.

માતાની કાર લઈને ફરાર થયો હતો અર્જુન

પોલીસના જણાવ્યા અનુસાર, અર્જુન ઘરમાં હાજર નહોતો.  તે પોતાની માતાની કાર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.  ઘટના બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ શરૂઆતના પ્રયાસોમાં તેની કોઈ જાણકારી મળી શકી નહોતી. ત્યારબાદ સર્ચ ઓપરેશનનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હતો. બુધવારે સવારે મેસાચુસેટ્સના વેલેન્ડમાં પોલીસ એક પાર્કિંગ સ્થળ પર અલગ કેસમાં મળેલા એલાર્મની તપાસ કરવા પહોંચી હતી. ત્યાં પોલીસને અર્જુન પોતાની માતાની કારમાં મળ્યો હતો. 

જે બાદ તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જેમાં સામે આવેલી જાણકારી મુજબ, અર્જુન છેલ્લા થોડા સમયથી ઈન્ટરનેટ અને ChatGPT પર પરિવારની હત્યા જેવા વિષયો પર જાણકારી સર્ચ કરતો હતો. ઉપરાંત  ChatGPTથી હત્યા અને રહસ્ય સાથે જોડાયેલી કાલ્પનિક કહાનીઓ લખવામાં પણ મદદ માંગી હતી. જેમાં પોતાના જ પરિવારની હત્યા કરતા લોકોના પાત્રો હતા. ઉપરાંત તેણે  ChatGPTને આ પ્રકારના અનેક સવાલ પૂછ્યા હતા.