સુરતઃ નવસારી જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી. માતાજીના દર્શનાર્થે આવેલા પરિવારનો સાત વર્ષનો માસૂમ બાળક રમતાં રમતાં ગરમ પાણીના કુંડમાં પડી ગયો હતો. કુંડના ઊંડા અને ગરમ પાણીમાં ડૂબી જવાથી બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. જેના કારણે પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદથી એક મહિલા રક્ષાબંધનની ઉજવણી કરવા માટે સુરત-નવસારી નજીક આવેલા મહુવા ખાતે પોતાના ભાઈના ઘરે આવી હતી. તહેવારના દિવસે ભાઈ-બહેન પોતાના પરિવાર સાથે ઉનાઈ માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ પરિવાર મંદિર પરિસરમાં હાજર હતો, તે દરમિયાન સાત વર્ષીય બાળક રમતાં રમતાં અચાનક ગાયબ થઈ ગયો હતો. એક કલાક સુધી શોધખોળ છતાં કોઈ પત્તો લાગ્યો નહોતો.
બાળક નહીં દેખાતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. તેમણે લગભગ એક કલાક સુધી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. ઘણી શોધખોળ છતાં બાળકનો કોઈ પત્તો ન મળતાં આખરે મંદિર પ્રશાસનની મદદથી પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા.
સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ફૂટેજમાં માસૂમ સિદ્ધાર્થ રમતાં રમતાં ગરમ પાણીના કુંડ તરફ જતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ તે સીધો કુંડમાં કૂદી પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ બાળકને બહાર કાઢી હૉસ્પિટલ ખસેડાયો હતો.
ઘટનાની જાણ થતાં જ વાંસદા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઊંડા અને અત્યંત ગરમ પાણીમાં ડૂબી જવાને કારણે તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી અને ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રક્ષાબંધનના તહેવારના આનંદ વચ્ચે બનેલી આ કરુણ ઘટનાથી પરિવાર ભાંગી પડ્યો હતો. સમગ્ર મામલે વાંસદા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હતી.