Fri Sep 11 2026

Logo

ઈરાન સામે અમેરિકાને મદદ કરવા માટે બ્રિટને ખોલ્યા પોતાના સૈન્ય મથકોના દરવાજા!

London   2026-03-02 08:48:00
Author: Devayat Khatana
ઈરાન સામે અમેરિકાને મદદ કરવા માટે બ્રિટને ખોલ્યા પોતાના સૈન્ય મથકોના દરવાજા!

લંડન: મધ્ય પૂર્વ એશિયામાં વધતા તણાવ વચ્ચે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે એક મોટો નિર્ણય લીધો છે. બ્રિટિશ વડા પ્રધાને અમેરિકાને ઈરાનના મિસાઈલ ઠેકાણાઓ પર હુમલો કરવા માટે બ્રિટિશ સૈન્ય મથકોના ઉપયોગની મંજૂરી આપી છે. કીર સ્ટારમરે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈરાનનું આક્રમક વલણ બ્રિટિશ નાગરિકો માટે જોખમરૂપ બની રહ્યું છે. મધ્ય પૂર્વમાં વસતા આશરે ૨ લાખ બ્રિટિશ નાગરિકોની સુરક્ષા અને ઈરાન દ્વારા કરવામાં આવતા અંધાધૂંધ મિસાઈલ હુમલાઓને રોકવા માટે આ 'રક્ષણાત્મક' નિર્ણય લેવો અનિવાર્ય હતો.

વડાપ્રધાનની આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ સાયપ્રસ સ્થિત બ્રિટિશ વાયુસેનાના બેઝ પર ડ્રોન હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા હતા. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને માત્ર સામાન્ય નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. સંરક્ષણ અને ગુપ્તચર નિષ્ણાતો આને ઈરાન દ્વારા કરવામાં આવેલો વળતો પ્રહાર ગણાવી રહ્યા છે. બ્રિટિશ સરકારનું માનવું છે કે ઈરાનની મિસાઈલ અને ડ્રોન ક્ષમતાને મૂળમાંથી નષ્ટ કર્યા વિના ક્ષેત્રમાં શાંતિ સ્થાપવી શક્ય નથી.
 

બ્રિટનના આ નિર્ણયને લઈને સ્થાનિક રાજકારણમાં વિવાદ પણ સર્જાયો છે. લેબર પાર્ટીના કેટલાક નેતાઓ અને લિબરલ ડેમોક્રેટ્સના નેતા એડ ડેવીએ આ પગલાની ટીકા કરતા તેને યુદ્ધ તરફ દોરી જતો રસ્તો ગણાવ્યો હતો અને આ મુદ્દે સંસદમાં મતદાન કરાવવાની માંગ કરી છે. ગ્રીન પાર્ટીએ આ કાર્યવાહીને 'ગેરકાયદેસર' ગણાવી છે. બીજી તરફ, કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી સરકાર પર અમેરિકાને વધુ સમર્થન આપવાનું દબાણ છે. 

અત્યારે બ્રિટિશ ફાઈટર જેટ્સ પણ આ સંયુક્ત રક્ષણાત્મક કામગીરીનો ભાગ બનીને આકાશમાં તૈનાત છે અને તેમણે અત્યાર સુધી ઈરાનના અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હોવાનો દાવો કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે બ્રિટન હવે આંતરરાષ્ટ્રીય કાયદાકીય સ્થિતિ અને પોતાના પ્રાદેશિક હિતો વચ્ચે સંતુલન જાળવવાના પ્રયાસો કરી રહ્યું છે.