પક્ષની સંગઠનાત્મક તાકાત વધારવા પર ભાર મૂકી પદાધિકારીઓને ૨૦૨૯ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરવાનો આદેશ
મુંબઈ: શિવસેના પક્ષના નામ અને ચૂંટણી પ્રતીક ‘ધનુષ્યબાણ’ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હવે નિર્ણાયક તબક્કામાં છે ત્યારે શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ પક્ષના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓેનું મનોબળ વધારવા માટે કોર્ટનો નિર્ણય આપણી જ તરફેણમાં આવશે. તેેથી આગામી ચૂંટણીઓ માટે તૈયારી શરૂ કરો એવી શીખામણ આપી હતી.
શિવસેના ભવનમાં જિલ્લા પ્રમુખો અને સંપર્ક પ્રમુખો સાથેની બેઠકમાં ઠાકરે તમામ લોકોનો નૈતિક રીતે જુસ્સો વધારવા માટે ઉદ્ધવ ઠાકરેએ કોર્ટમાં આખરી તબક્કામાં ચાલી રહેલી સુનાવણીના પરિણામ તેમની તરફેણમાં આવશે એવું કહ્યું હતું. આ બેઠકમાં પક્ષ સંગઠન, આગામી ચૂંટણીઓ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
પક્ષની સંગઠનાત્મક તાકાત વધારવા પર ભાર મૂકતા ઉદ્ધવ ઠાકરેએ પદાધિકારીઓને ૨૦૨૯માં થનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાનો આદેશ આપ્યો હતો. બેઠકમાં સંગઠનને મજબૂત કરવાની સૂચના આપીને વધુને વધુ કાર્યકર્તા અને નવા ચહેરાઓને પક્ષમાં જોડાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરવામાં આવી હતી. આગામી ગ્રામ પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પાયાના સ્તરે સંગઠનને વધુ સક્ષમ બનાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
ઠાકરેએ સંગઠનાત્મક કાર્યમાં ઢીલાશ રાખનારાઓને ઘરનો રસ્તો બતાવી દેવાની ચેતવણી આપતા કહ્યું હતું કે જો જવાબદારી ઉપાડવાની ક્ષમતા ન હોય તો સંબંધિતોએ પદ માટે આગ્રહ ન રાખવો જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આવા પદાધિકારીઓને તેમની ક્ષમતા અનુસાર અન્ય જવાબદારીઓ સોંપવામાં આવશે.
મતદાર નોંધણી સંબંધિત ખાસ નોંધણી ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપતા પદાધિકારીઓને કહ્યું હતું કે આઠ ઑગસ્ટ સુધીમાં પાત્ર મતદારોની નોંધણી પૂર્ણ કરવા માટે દરેક જિલ્લા અને વિભાગમાં અસરકારક ઝુંબેશ ચલાવવી. તેમણે એ પણ સુનિશ્ર્ચિત કરવાની સૂચના આપી હતી કે કોઈ પણ પાત્ર મતદારનું નામ બાકી ન રહે.
શિવસેના પક્ષના નામ અને ધનુષ્યબાણ ચિહ્ન અંગેનો વિવાદ છેલ્લા ચાર વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આપણી તરફેણમાં જ આવશે અને આપણે શિવસેના પક્ષ તેમજ ધનુષ્યબાણ પાછા મેળવીને જ રહીશું.