Tue Aug 25 2026

Logo

UAE સરકારે 19 ભારતીય સહિત 35 લોકોની ધરપકડ કરી, જાણો શું છે કારણ...

Abu Dhabi   2026-03-16 11:33:00
Author: Vimal Prajapati
UAE સરકારે 19 ભારતીય સહિત 35 લોકોની ધરપકડ કરી, જાણો શું છે કારણ...

અબુ ધાબીઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ રહ્યાં છે. આ વીડિયોમાં કેટલા વીડિયો સાચા છે અને કેટલા વીડિયો ફેક છે તેનું અનુમાન લગાવવું ઘણું મુશ્કેલ હોય છે. આવા કેસમાં યુએઈ સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. યુએઈ દ્વારા ખોટા વીડિયો અને કોન્ટેન્ટ શેર કરવા બદલ 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં 19 ભારતીય લોકો પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ લોકો પર ખોટી માહિતી અને એઆઈ દ્વારા બનાવેલા વીડિયો શેર કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. 

ધરપકડ કરાયેલા 35 લોકોને ત્રણ જુથમાં વહેચવામાં આવ્યાં

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ધરપકડ કરાયેલા 35 લોકોને ત્રણ જુથમાં વહેચવામાં આવ્યાં છે. પહેલા જુથમાં 10 લોકો આવે છે જેમના પર દેશની એરસ્પેસ પર મિસાઈલ હુમલાના અસલી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં હતા પરંતુ તેમાં ખોટી ટિપ્પણીઓ અને સાઉન્ડ ઈફેક્ટ એડ કરવામાં આવ્યાં હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, આ વીડિયોના કારણે દેશની સુરક્ષા વ્યવસ્થા જોખમાય છે. આ 10 લોકોમાં 5 ભારતીય, એક પાકિસ્તાની, એક નેપાળી અને એક ફિલિપિનો અને એક ઈજિપ્શિયન સામેલ છે.

એઆઈ વીડિયો શેર કરવા બદલ થઈ ધરપકડ

બીજા જુથની વાત કરવામાં આવે તો, તેમાં સાત લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લોકોએ એઆઈ દ્વારા બનાવેલી વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ આ લોકો પર દેશની બહાર થયેલા હુમલાની વીડિયો પણ દેશની અંદર થયા હોવાના દાવા સાથેના વીડિયો શેર કરવામાં આવ્યાં હતાં. આ વીડિયાના કારણે દેશના લોકોમાં ભયનો માહોલ સર્જાય છે તેવું યુએઈની સરકારે કહ્યું હતું. આમાં પાંચ ભારતીય અને નેપાળ અને બાંગ્લાદેશના એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 

1 વર્ષની જેલની સજા અને 1 લાખ દિરહામ દંડની જોગવાઈ

ત્રીજા જુથમાં પાંચ ભારતીય અને એક પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોએ દુશ્મન દેશ અને દુશ્મન દેશની સેનાના વખાણ કર્યાં હતાં. યુએઈની સરકારના જણાવ્યાં પ્રમાણે આ પ્રકારના ગુનામાં એક વર્ષની જેલની સજા અને 1 લાખ દિરહામ દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, જે 35 લોકોની યુએઈ સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમાં 19 લોકો ભારતીય છે. જેમાં શનિવારે બે ભારતીય સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, અને રવિવારે 17 ભારતીય સહિત 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.