Wed Aug 26 2026

Logo

ટાયસનઃ ઈન્ડિયન આર્મીનો એ જાંબાઝ યોદ્ધા કે જેણે પ્રાણોની આહુતિ આપીને આંતકવાદીને ઠાર કરવામાં મદદ કરી...

2026-02-22 21:08:00
Author: Darshana Visaria
ટાયસનઃ ઈન્ડિયન આર્મીનો એ જાંબાઝ યોદ્ધા કે જેણે પ્રાણોની આહુતિ આપીને આંતકવાદીને ઠાર કરવામાં મદદ કરી...

જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા એક ઓપરેશન દરમિયાન ભારતીય સેનાના બહાદુર અસોલ્ટ ડોગ 'ટાયસન' (Tyson)એ અપ્રતિમ સાહસનો પરિચય આપ્યો છે અને જ્યાં જુઓ ત્યાં આ ટાયસન નામના ટ્રેઈન્ડ ડોગની ચર્ચા થઈ રહી છે. આ મૂક પણ બહાદુર યોદ્ધાએ આતંકવાદીઓને શોધી કાઢવા અને તેમને ખતમ કરવામાં પોતાના પ્રાણોની આહુતિ આપવામાં પણ પાછળ વળીને ના જોયું, ચાલો તમને જણાવીએ આખી સ્ટોરી વિસ્તારથી... 

મળતી માહિતી મુજબ રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ગાઢ જંગલોમાં હગાથ ધરવામાં આવેલા એક ઓપરેશન દરમિયાન ટાયસને અસાધારણ હિંમત દેખાડી હતી. જ્યારે સેનાની ટુકડી આતંકવાદીઓ છુપાયા હતા તે વિસ્તારમાં પહોંચી, ત્યારે ટાયસનને આતંકીઓનું લોકેશન ટ્રેસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ટાયસને જેવી આતંકીઓની ગંધ પારખી કે તે સીધો તેમના પર તૂટી પડ્યો અને આ દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો, જેમાં એક ગોળી ટાયસનને વાગી હતી.

ભયાનક દર્દ અને લોહી વહેતું હોવા છતાં, ટાયસન પીછે હઠ કરવાને બદલે તેણે ચમત્કારિક રીતે એક આતંકવાદીનો પગ મજબૂતીથી પકડી રાખ્યો અને એને કારણે આતંકી ભાગી શક્યો નહીં અને સેનાના જવાનોને તેને ઠાર કરવામાં સફળતા મળી હતી. 

આતંકીઓના ખાતમો બોલાવી દીધા બાદ વધારે પડતું લોહી વહી જવાને કારણે ટાયસનનું મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ટાયસન જેવી બહાદુરી અગાઉ 'એક્સલ' અને 'ઝૂમ' નામના આર્મી ડોગ્સ પણ બતાવી ચૂક્યા છે. ઈન્ડિયન આર્મીમાં શ્વાનોને માત્ર એક પ્રાણી તરીકે નહીં, પણ પરિવારના સભ્ય અને સૈનિક તરીકે જોવામાં આવે છે.

સમગ્ર દેશ ટાયસનની આ બહાદુરીને સલામ કરી રહ્યા છે અને આ હૃદયસ્પર્શી ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે વફાદારી અને દેશભક્તિના મામલામાં મૂંગા પ્રાણીઓ પણ ક્યારેક કાળા માથાના માનવીથી આગળ નીકળી જાય છે.