ભુજ: કચ્છમાં સર્જાયેલા મેઘાવી માહોલ વચ્ચે આકાશી વીજળીનો કહેર વરસી પડ્યો છે. સીમાવર્તી રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસ દરમિયાન બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં આકાશી વીજળીની ઝપેટમાં આવી જતાં બે યુવાનોનાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રથમ બનાવ જીલાર વાંઢ વિસ્તારમાં બન્યો હતો. સીમમાં બકરા ચરાવવા ગયેલા કેસા તરસી કોળી નામના યુવક પર અચાનક કડાકા-ભડાકા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. વીજપ્રહારથી ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને પરિજનો અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.
જ્યારે બીજી કાળજું કંપાવનારી ઘટના આડેસર ગામે બની હતી. વરસાદી વાતાવરણ દરમિયાન આકાશી વીજળી પડતાં જયંતિ ભવાન પરમાર નામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
માત્ર 48 કલાકના ગાળામાં આકાશી વીજળી પડવાથી બે-બે યુવાનોનાં અકાળે અવસાન થતાં ગ્રામીણ પ્રજામાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદી પ્રણાલી સક્રિય હોવાની ચેતવણીના પગલે વહીવટી તંત્રએ ખેડૂતો, માલધારીઓ અને શ્રમિકોને ખેતર, વાડી તેમજ ખુલ્લા વિસ્તારોમાં કામ કરતી વખતે અત્યંત સાવચેતી રાખવા અને મેઘગર્જના વેળાએ વૃક્ષ નીચે ઊભા રહેવાને બદલે પાકા મકાન કે સુરક્ષિત સ્થળે આશરો લેવા ખાસ અનુરોધ કર્યો છે.
ઉત્સવ વૈદ્ય