Mon Sep 07 2026

Logo

શાહરુખ ખાનના બાંદ્રા સ્થિત બંગલોમાં ઘૂસ્યા સાપઃ એક પકડાયો પણ બીજો....

2026-08-18 19:32:41
Author: Mumbai Samachar Team
શાહરુખ ખાનના બાંદ્રા સ્થિત બંગલોમાં ઘૂસ્યા સાપઃ એક પકડાયો પણ બીજો....

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ: મુંબઈના બાંદ્રા પરિસર સ્થિત બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પ્રસિદ્ધ બંગલા ‘મન્નત’ માં સોમવારે રાત્રે  બે સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 17 ઓગસ્ટે બંગલાના લૉનમાં બે સાપ જોવા મળ્યા બાદ તાત્કાલિક સ્નેક રેસ્ક્યૂ ટીમને બોલાવવામાં આવી હતી. રેસ્ક્યૂ ટીમે લાંબી શોધખોળ બાદ એક સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો, જ્યારે બીજો સાપ ત્યાંથી નાસી જવામાં સફળ રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, સાંજે લગભગ 8 વાગ્યે સાપ જોવા મળ્યા બાદ બાંદ્રા વેસ્ટ સ્થિત મન્નત ખાતે સ્નેક રેસ્ક્યૂઅર વિકી દુબેને બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે વન વિભાગના રાઉન્ડ ઓફિસર દીપક દાદા ગાયકવાડ તેમ જ થાણે સ્થિત મુંબઈ રેન્જ ઓફિસના કંટ્રોલરને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ટીમે લૉનના વિવિધ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન એક સાપ સીડીની નીચે છુપાયેલો જોવા મળ્યો હતો. 

રેસ્ક્યૂ ટીમે લગભગ આઠ ફૂટ લાંબા આ સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. તપાસમાં તે ધામણ જાતિનો સાપ હોવાનું જાણવા મળ્યું હતું. ધામણ બિનઝેરી સાપ હતો. સાપને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા બાદ મન્નતના સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

જોકે, રેસ્ક્યૂ ઓપરેશન સંપૂર્ણપણે સફળ રહ્યું નહોતું. રેસ્ક્યૂ દરમિયાન આસપાસ લોકો એકઠા થતાં બીજો સાપ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ મન્નતના સુરક્ષા કર્મચારીઓ અને ઘરના સભ્યોમાં ચિંતા ફેલાઈ હતી. રેસ્ક્યૂ ટીમે સાંજ સુધી તેની શોધખોળ ચાલુ રાખી હતી, પરંતુ તેને પકડી શકાયો નહોતો. હાલમાં પકડાયેલા આઠ ફૂટ લાંબા ધામણ સાપને સુરક્ષિત રીતે હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે બીજા સાપની શોધખોળ કરવામાં આવી હોવા છતાં તેનું કોઈ પગેરું મળ્યું નથી.

શાહરુખ ખાનનો બંગલો સત્તાવાર રીતે ‘મન્નત લેન્ડ્સ એન્ડ’ તરીકે ઓળખાય છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બૅન્ડસ્ટૅન્ડ નજીક આવેલો આ બંગલો શહેરના સૌથી જાણીતા સેલિબ્રિટી રહેઠાણોમાંનો એક છે. શાહરુખ ખાનની એક ઝલક મેળવવા માટે દેશ-વિદેશથી તેના ચાહકો અહીં પહોંચતા હોય છે. આવી સ્થિતિમાં બંગલાના લૉનમાં એકસાથે બે સાપ જોવા મળવાની ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, પકડાયેલો સાપ બિનઝેરી હોવાનું સ્પષ્ટ થયા બાદ સ્ટાફે રાહત અનુભવી હતી.

દરમિયાન, શાહરુખ ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈને વ્યસ્ત છે. સિદ્ધાર્થ આનંદના દિગ્દર્શનમાં બની રહેલી આ એક્શન-થ્રિલર ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ ખાન સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન, રાઘવ જુયાલ અને રાની મુખર્જી સહિતના કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.