Sun Sep 06 2026

Logo

ટીવી અભિનેત્રી અદિતિ શર્માએ પતિ અને સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદઃ લગ્નના બે વર્ષમાં શું થયું?

2026-08-02 19:30:27
Author: Mumbai Samachar Team
ટીવી અભિનેત્રી અદિતિ શર્માએ પતિ અને સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદઃ લગ્નના બે વર્ષમાં શું થયું?

મુંબઈ: 'રબ સે હૈ દુઆ', 'અપોલીના - સપનોં કી ઊંચી ઉડાન' અને 'કલીરે' જેવી લોકપ્રિય ટીવી સિરિયલોથી ઓળખ મેળવનારી અભિનેત્રી અદિતિ શર્માએ પોતાના પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને માનસિક સતામણીની ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. અદિતિની ફરિયાદના આધારે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. જોકે, પોલીસ દ્વારા હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

ફરિયાદમાં અદિતિએ આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ તેના પતિ તેમજ સાસરિયાના સભ્યોએ તેની સાથે શારીરિક અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. તેણે મારપીટ, અપશબ્દો બોલવા, તેના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરવા અને લગ્નના દાગીનાનો ગેરઉપયોગ કરવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે ફરિયાદમાં દર્શાવાયેલા તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં અદિતિએ જણાવ્યું કે જૂન 2021માં એક ઓનલાઈન એક્ટિંગ ક્લાસ દરમિયાન તેની ઓળખ અભિનીત સાથે થઈ હતી. બંને વચ્ચેની મિત્રતા બાદમાં  પ્રેમસંબંધમાં પરિણમી હતી. બંને પરિવારોની સંમતિથી 12 નવેમ્બર, 2024ના રોજ તેઓએ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં જ સપ્ટેમ્બર, 2024થી બંને ગોરેગાંવ પશ્ચિમમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં સાથે 'લિવ ઈન'માં રહેતા હતા.

અદિતિના જણાવ્યા મુજબ લગ્નના થોડા જ દિવસોમાં તેના પતિનો સ્વભાવ બદલાઈ ગયો હતો. કપડાં પહેરવા જેવી નાની-નાની બાબતોને લઈને વારંવાર ઝઘડા થતા હતા. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે ઘરખર્ચમાં મદદ કરવાને બદલે તેનો પતિ વારંવાર તેની પાસે પૈસાની માંગ કરતો હતો. ફરિયાદમાં 1 જાન્યુઆરી, 2025ના બનેલી એક ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કોફીને લઈને થયેલો સામાન્ય વિવાદ ગાળાગાળી સુધી પહોંચ્યો હતો.

અદિતિએ વધુમાં આરોપ લગાવ્યો છે કે આ ઘટના બાદ તેના પતિએ તેના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરવાનું શરૂ કર્યું અને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાના આરોપો લગાવ્યા. તે વારંવાર તેનો મોબાઇલ ફોન તપાસતો હતો અને બાદમાં અલગ રૂમમાં રહેવા લાગ્યો હતો. અભિનેત્રીએ એવો પણ દાવો કર્યો છે કે તેને પોતાના માતા-પિતા સાથે વાતચીત કરવાની પણ મનાઈ કરવામાં આવતી હતી. પોલીસે જણાવ્યું કે તમામ આરોપોની તપાસ ચાલી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.