તુર્કીયેઃ તુર્કીયેના મધ્ય ભાગમાં આજે 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાયા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એએફએડી દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે આ ભૂકંપ તુર્કીયેના તોકાત પ્રાંતના નિકસાર શહેરમાં આવ્યો છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ 6.4 કિમી નીચે નોંધાયું છે. એએફએડીના જણાવ્યાં પ્રમાણે આ ભૂકંપ આજે સવારે 3.35 વાગ્યાની આસપાસ આવ્યો હતો. જેના ઝટકા આસપાસના અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા.
ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં
અત્યારે તુર્કીયેમાં ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ ફરી પાછા ઘરમાં જતા પણ લોકો ડરી રહ્યાં હતાં. ભૂકંપ આવ્યો હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયાં હતાં. લોકો રસ્તા પર અથવા તો બહાર પોતાની ગાડીમાં બેસીને રાહ જોતા જોવા મળ્યાં હતાં. તુર્કીયે એક એવો દેશ છે, જ્યા વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.
2023માં તુર્કીયેમાં આવ્યો હતો મહાવિનાશકારી ભૂકંપ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આજથી 3 વર્ષ પહેલા 2023માં તુર્કીયેમાં 7.8નો મહાવિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં તુર્કીયેમાં એક બે નહીં પરંતુ 53,000થી પણ વધારે લોકોના મોત થયાં હતાં. આ ભૂકંપમાં દક્ષિણી-દક્ષિણીપૂર્વી પ્રાંતોમાં હજારોની સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ હતી. મહત્વની વાત એ છે કે, માત્ર તુર્કીયે જ નહીં પરંતુ તેના પાડોશી દેશ સીરિયામાં પણ 6 હજાર લોકોના મોત થયાં હતાં. 2023માં આવેલા આ ભૂકંપે મોટો વિનાશ સર્જોય હતો.