Sun Aug 23 2026

Logo

TMC vs ED: બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મમતા બેનર્જીની પાર્ટી SCના શરણે, જાણો સમગ્ર વિવાદ

2026-07-31 19:33:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળની રાજકીય પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પણ આ વખતે મામલો રાજકીય નહીં પણ આર્થિક છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ત્રણ બેંક ખાતા એક ખાનગી બેંકમાંથી સીલ થઈ જતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. EDએ આ ખાતા ફ્રીઝ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.
 
આ કેસ પહેલા કૉલકાતા હાઈ કોર્ટમાં હતો. હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારતા એક અરજી કરવામાં આવી છે. કૉલકાતા હાઈ કોર્ટે તા.20 જુલાઈના રોજ આ કેસ સંબંધિત આદેશ આપ્યો હતો. જેમાં ખાતાઓ જે ફ્રીઝ કરવામાં આવ્યા છે એના પર પ્રતિબંધ દૂર કરવાની વાત પર કોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. 

સુપ્રીમ કોર્ટમાં મોટી અરજી
આ કેસમાં હવે સુપ્રીમ કોર્ટ અરજીને ધ્યાને લઈને તા.3 ઓગસ્ટના રોજ આ કેસ પર સુનાવણી કરશે. EDનો એવો આરોપ છે કે, TMCના એક બેંક ખાતામાંથી આશરે 133.84 કરોડ કેયરવેલ એવિએશન ઈન્ડિયા પ્રાયવેટ લિ.ને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તપાસ કરતી એજન્સીએ દાવો કર્યો હતો કે, આ રાકમ મની લોન્ડરિંગ સાથે જાડાયેલી છે. આ સમગ્ર પ્રકરણ પશ્ચિમ બંગાળના ધારાસભ્ય બિસ્વનાથ દાસની 18 જૂનના લખેલી એક ફરિયાદમાંથી સામે આવ્યું છે. 

EDએ તપાસ કર્યા વિના ખાતા ફ્રીઝ કર્યાં
આ વિષય પર પોલીસે FIR પણ નોંધી છે. 23 જૂનના EDએ આ કેસમાં આગળની તપાસ શરૂ કરી દીધી હતી. PMLA (Prevention of Money Laundering Act) અંતર્ગત આ તપાસ કરવામાં આવી હતી. તપાસ એજન્સીને પહેલાથી જ એક ખાતા પર આશંકા હતી. તા.7જુલાઈના રોજ EDએ છ બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતા.
 
આ મામલે હવે તૃણમૂલ કોંગ્રેસનું એવું કહેવું છે કે EDએ કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર જ મનમાની કરીને ખાતા ફ્રીઝ કરી દીધા છે. ઠોસ પુરાવા વગર ખાતા ફ્રીઝ કર્યા છે. 9 જુલાઈના રોજ કૉલકાતા હાઈકોર્ટની જ એક બેંચે દૈનિક ખર્ચ માટે પાર્ટીને મળતી રકમ માટે આ બેંક ખાતું ઉપયોગમાં લેવાયું હોવાની વાત એક વિશેષ અધિકારીના નિરિક્ષણમાં ખાતાનું સંચાલન કરવાની અનુમતી આપી હતી. આ છતાં પણ ખાતું ફ્રીઝ કરી દેવાયું. 

હાઈ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો
કોર્ટે કહ્યું હતું કે, આ સ્ટેજ પર ફંડ ટ્રાંસફરના આધાર પર કોઈ મોટો નિર્ણય લઈ શકાય નહીં. પક્ષ પીએમએલએ નિર્ણાયક સત્તામંડળ સમક્ષ અને વધુ સુનાવણી દરમિયાન તેના વાંધા રજૂ કરી શકે છે. ઇડીની કાર્યવાહીને સમર્થન આપતા હાઇ કોર્ટે અવલોકન કર્યું કે, તપાસ બાદ, એજન્સીને પૂરતા આધારો મળ્યા જે દર્શાવે છે કે નોંધપાત્ર રકમ વિવિધ સંસ્થાઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી, તેથી ખાતાઓ ફ્રીઝ કરવાનું પ્રથમ દૃષ્ટિએ વાજબી લાગે છે.
 
આ પરથી હાઈ કોર્ટે પોતાનો આદેશ આપ્યો હતો, જેમાં ફ્રીઝ-પ્રતિબંધ દૂર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. આ મામલે હવે પાર્ટીના કદાવર નેતાઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તપાસ એજન્સી આ અંગે કોઈ મોટા પુરાવા રજૂ કરી શકે છે. મની લોન્ડરિંગ સાથે જોડાયેલી રકમ હશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.