વોશિંગ્ટન ડી સી: યુએસ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, યુએસ ગમે ત્યારે ઈરાન પર લશ્કરી કાર્યવાહી શરુ કરી શકે છે. યુએસએ તેના વિમાન વાહક જહાજો અને એરક્રાફ્ટ કેરિયર મધ્યપૂર્વ તરફ મોકલ્યા છે. યુએસએ તેનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ ઈરાન પાસે તૈનાત કર્યું છે, વિશ્વના આ સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર પર અલગ જ પ્રકારની સમસ્યા સર્જાઈ છે.
અહેવાલ મુજબ યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ ગયા વર્ષના જૂનથી દરિયામાં છે, જહાજ પરના લગભગ 5,000 થી વધુ ક્રૂ મેમ્બર્સ છે. આ જહાજમાં ટોઇલેટ બ્લોક થઇ જવા અને ગટર ભરાઈ જવાની સમસ્યા ઉભી થઇ છે, જેને કારણે ક્રૂ મેમ્બર્સ મુશ્કેલીમાં મુકાયા છે.
અહેવાલ મુજબ જહાજ પર 650 ટોયલેટમાંથી મોટાભાગના બ્લોક થઇ ગયા છે. આશરે 13.3 બિલિયન યુએસ ડોલરના ખર્ચે તૈયાર થયેલા આ વિશ્વના સૌથી મોઘા યુદ્ધ જહાજ પર ટોઇલેટની સમસ્યા સર્જાતા ચર્ચાનો વિષય બન્યો છે.
ટોઇલેટની બહાર 45 મિનિટ લાંબી લાઈન:
પરિસ્થિતિનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે ક્રૂ મેમ્બર્સને ટોઇલેટ માટે દરરોજ 45 મિનિટ સુધી લાઇનમાં રાહ જોવી પડે છે. પ્લમ્બિંગ અને રિપેર ટેકનિશિયન સતત કામ કરી રહ્યા છે, છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો.અહેવાલ મુજબ જહાજના ક્રૂ મેમ્બર્સ નારાજ છે અને યુએસ પરત ફરતાની સાથે જ નેવી છોડવા ઈચ્છે છે.
ટોઇલેટ્સમાં આવી સમસ્યા કેમ સર્જાય છે?
USS ફોર્ડ પર વેક્યુમ-બેઝ્ડ સુએજ સિસ્ટમ હોય છે, જો વાલ્વ પણ ફેઈલ થાય તો એક આખા વિભાગના ટોઇલેટ્સ બ્લોક થઇ શકે છે. સિસ્ટમના પાઈપ્સમાં કેલ્શિયમ જમા થઇ જવાની પણ સમસ્યા હોય છે. આખી સુએજ સિસ્ટમ સરખી કરવા દર વખતે એસિડ ફ્લશની જરૂર પડે છે, જેનાં માટે $400,000 નો ખર્ચ કરવામાં આવે છે.
USS ફોર્ડ સતત દરિયામાં તૈનાત:
નોંધનીય છે કે જાન્યુઆરીમાં વેનેઝુએલાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કરવામાં યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મિશન બાદ જહાજના ક્રૂને જણાવવામાં આવ્યું કે હવે જહાજને ઈરાન પર સંભવિત હુમલા તૈનાત કરવામાં આવી રહ્યું છે, ત્યાર બાદ જહાજને યુએસ લાવવાને બદલે સીધું મધ્ય પૂર્વ તરફ લઇ જવામાં આવ્યું.
યુએસ નેવીના એક નિવૃત અધિકારીના જણાવ્યા મુજબ સામાન્ય રીતે શાંતિકાળ દરમિયાન વિમાન વાહક જહાજો પર તૈનાતીનો સમયગાળો 6 મહિના સુધીનો હોય છે. હાલ USS ફોર્ડ 8 મહિનાથી સમયથી દરિયામાં છે, આ સમયગાળો 11 મહિના સુધી લંબાઈ શકે છે.
સતત લાંબો સમય દરિયામાં રહેવાને જહાજને પણ માઠી અસર પહોંચે છે, મેન્ટેનન્સ અને પાર્ટ્સ અપગ્રેડ કર્યા વગર કેટલીક સિસ્ટમો બગડી ગઈ છે. યુએસએ હાલ મધ્ય પૂર્વમાં 14 જેટલા યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે, USS ફોર્ડ ઉપરાંત, એર ક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન, નવ ડિસ્ટ્રોયર અને ત્રણ લીટોરલ લડાયક જહાજો તૈનાત છે.