Thu Sep 03 2026

Logo

દેશના 12 રાજ્યોમાં આંધી વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવો રહેશે મોસમનો મિજાજ

2026-05-04 08:24:00
Author: Mayur Patel
દેશના 12 રાજ્યોમાં આંધી વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવો રહેશે મોસમનો મિજાજ

અમદાવાદ-નવી દિલ્હીઃ વિધાનસભા ચૂંટણી પરિણામોને લઈ દેશમાં રાજકારણ ગરમ છે પરંતુ હવામાન વિભાગે વધી રહેલા તાપમાન પર બ્રેક લાગવાનો સંકેત આપ્યો છે. દિલ્હીથી લઈ બંગાળ અને પૂર્વોત્તર સુધી મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે દિલ્હીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ, આંધીની ચેતવણી આપવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ ગરમીનો પ્રકોપ જોવા મળશે. દેશના 12 રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત કેટલીક જગ્યાએ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં એક સપ્તાહ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારના સંકેત નથી. મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.  આગામી બે થી ત્રણ દિવસ તાપમાનમાં થોડો ઘટાડો થયો બાદ પારો ફરી ઊંચકાશે.

હાલમાં ગુજરાત આસપાસ ત્રણ હવામાન પ્રણાલીઓ સક્રિય છે. જેમાં ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં 3.1 કિલોમીટર પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય છે, જેનો ટ્રફ 5.8 કિલોમીટર ઊંચાઈ પર 69 ડિગ્રી પૂર્વ અને 30 ડિગ્રી ઉત્તર પર સ્થિત છે. આ ઉપરાંત, ઉત્તર હરિયાણાથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી 9 કિલોમીટર ઊંચાઈ પર એક ટ્રફ લાઇન અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર 9 કિલોમીટર ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જોકે, હવામાન વિભાગ અનુસાર, આ પ્રણાલીઓની ગુજરાત પર કોઈ વિશેષ અસર થવાની સંભાવના નથી.

દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ પ્રમાણે, 4 અને 5 મેના રોજ પૂર્વોત્તર ભારત, ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે પવન, ગાજવીજ તથા અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં પણ આ દરમિયાન આંધી-તોફાન, વીજળીના કડાકા-ભડાકા અને કરા પડવાની સંભાવના છે. 40-50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 

દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના કેટલાક હિસ્સામાં સમગ્ર સપ્તાહ દરમિયાન ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. અનેક સ્થળો પર ભારે વરસાદનું એલર્ટ છે.  ઉત્તર પ્રદેશમાં 4 થી 7 મે દરમિયાન અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તેમજ 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત ક્યાંક કરા પણ પડી શકે છે.

બિહારમાં આગામી 48 કલાકમાં વીજળીના કડકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. તેમજ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  ઉત્તરાખંડમાં 4-5 મે ના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે.  પંજાબમાં પણ 6 મે સુધી 30-50 કિમીની ઝડપે પવન અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.