Sun Sep 13 2026

Logo

નાંદેડમાં પૂરપાટ વેગે આવતી જીપ વૃક્ષ સાથે ભટકાઇ: ત્રણ જણનાં મોત

2026-09-01 17:01:11
Author: Yogesh D. Patel
નાંદેડમાં પૂરપાટ વેગે આવતી જીપ વૃક્ષ સાથે ભટકાઇ: ત્રણ જણનાં મોત

પ્રતીકાત્મક તસવીર


નાંદેડ: નાંદેડ જિલ્લામાં પૂરપાટ વેગે આવતી જીપ રસ્તાને કિનારે વૃક્ષ સાથે ભટકાતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકો ઘવાયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર કિનવત તહેસીલમાં તોતંબા જંગલ ઘાટ ખાતે સોમવારે સાંજના છ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો.અકસ્માતમાં મૃત્યુ ત્રણેય જણ તેલંગણાના નિર્મલ જિલ્લાના પારડી ગામમાં રહેતા હતા અને તેમની ઓળખ ટુમ સૈલુ (60), ટુમ ગૌરાબાઇ (60) અને અવાલા ગંગાધર (55) તરીકે થઇ હતી. ત્રણેય જણ અન્યો સાથે નાંદેડમાં મંદિરના દર્શન કરવા માટે આવ્યા હતા.

મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ ધોધ જોવા માટે ગયા હતા અને ત્યાંથી જીપમાં ઘરે પાછા જઇ રહ્યા હતા ત્યારે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે જીપ રસ્તાને કિનારે વૃક્ષ સાથે અથડાઇ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે જીપનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં હાજર લોકો ફસાઇ ગયા હતા. અકસ્માત બાદ મદદ માટે દોડી આવેલા સ્થાનિકોએ ઘાયલોને જીપમાં બહાર કાઢ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સાત જણને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ તેમને તેલંગણામાં કુબીર ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)