Sun Sep 13 2026

Logo

ક્રિકેટરો માટેના સીઓઈમાં 16 મહિનાથી મુખ્ય ડૉકટર જ નથી: લક્ષ્મણે આપ્યા કારણ

2026-08-10 15:47:00
Author: Ajay Motiwala
ક્રિકેટરો માટેના સીઓઈમાં 16 મહિનાથી મુખ્ય ડૉકટર જ નથી: લક્ષ્મણે આપ્યા કારણ

બેંગ્લૂરુ: છેલ્લાં બે વર્ષ દરમ્યાન ભારતની નેશનલ ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ બેંગ્લૂરુમાં બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)માં વિવિધ પ્રકારની ઈજાની સફળ સારવાર લીધી છે, પરંતુ નવાઈની વાત એ છે કે સીઓઈમાં ચીફ ડૉક્ટરનું પદ 16 મહિનાથી ખાલી પડ્યું છે.

ડૉ. નીતિન પટેલ પદ છોડી ચૂક્યા છે

બીસીસીઆઈ સાથે વર્ષો સુધી સંકળાયેલા ડૉ. નીતિન પટેલે માર્ચ 2025માં સ્પોર્ટસ સાયન્સ વિભાગના મુખ્ય હોદ્દા પરથી રાજીનામું આપ્યું ત્યાર બાદ આ હોદ્દો ખાલી પડ્યો છે.

કયા ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે?

હાલમાં ઈજા પામેલા અને સીઓઈમાં સારવાર લઈ ચૂકેલા અથવા લઈ રહેલા જાણીતા ખેલાડીઓમાં હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, નીતીશકુમાર રેડ્ડી, આકાશદીપ તથા વરુણ ચક્રવર્તીનો સમાવેશ છે. સીઓઈમાં સારવાર તથા રીહૅબિલિટેશન માટે ભરતી થયેલો છેલ્લામાં છેલ્લો કિસ્સો બૅટ્સમૅન સાઈ સુદર્શનનો છે. આમાંથી ઘણા ખેલાડીઓ લાંબા સમયથી સીઓઈમાં સારવાર હેઠળ છે, જ્યારે કેટલાકે સારવાર બાદ મેદાન પર પાછા ફર્યા પછી સીઓઈમાં ટ્રીટમેન્ટ માટે પાછા આવવું પડ્યું છે.

સુદર્શનના સ્થાને સરફરાઝ ટીમ

સુદર્શન ઈજાને કારણે શ્રીલંકા સામે શનિવાર, 15મી ઓગસ્ટે શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં નથી રમવાનો. તેના સ્થાને સરફરાઝ ખાનને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

સીઓઈના ચીફ લક્ષ્મણે શું કહ્યું?

ભૂતપૂર્વ બૅટ્સમૅન વીવીએસ લક્ષમણ (VVS LAXMAN) ઘણા સમયથી સીઓઇનો ચીફ છે. તેણે જણાવ્યું છે કે ‘ડૉ. નીતિન પટેલે સ્પોર્ટસ સાયન્સ વિભાગના હેડ તરીકેનો હોદ્દો છોડી દીધો ત્યાર પછી અમે તેમના સ્થાને કોઈને સિલેક્ટ નથી કરી શક્યા. અમે ઘણા ઇન્ટરવ્યૂ લીધા અને પાંચ જણને શોર્ટલિસ્ટ પણ કર્યા, પરંતુ કોઈ પણ ઉમેદવાર કૉન્ટ્રેકટના પૂરા સમયગાળા સુધી બેંગ્લૂરુમાં રહેવા તૈયાર નથી. અમે જૂના ને જાણીતા ઍન્ડ્રયૂ લીપસને પણ સિલેક્ટ કર્યા હતા, પરંતુ તેઓ પણ પારિવારિક કારણસર બેંગલૂરુ નથી આવી શક્યા.'

શુભમન ગિલે ચેતવ્યા હતા

ભારતીય ટીમના ઇંગ્લૅન્ડ પ્રવાસ વખતે વન-ડે તથા ટેસ્ટ ટીમના સુકાની શુભમન ગિલે ખેલાડીઓની ફિટનેસના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. ભારત એ સિરીઝ 1-2થી હારી ગયું હતું. ખુદ શુભમન ગિલ ફિટનેસ બાબતમાં સંઘર્ષ કરી રહ્યો હતો. ત્યારે ગિલે સવાલ ઉઠાવ્યો હતો કે ‘ખેલાડીઓ 2027ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં પોતાની ફિટનેસને ગંભીરતાથી લઈ રહ્યા છે ખરા? વર્લ્ડ કપમાં તો 11 મૅચ રમવી પડશે, જ્યારે હાલમાં કોઈક ખેલાડી બે-ત્રણ મૅચ પણ નથી રમી શકતા. ટીમ તરીકે ખેલાડીઓની ફિટનેસમાં સુધારો લાવવો ખૂબ જરૂરી છે.'