Thu Apr 23 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ કર્મચારી ...... બૉસ: કોને કોનો ત્રાસ?

2026-03-11 08:56:00
Author: જયવંત પંડ્યા
Article Image

જયવંત પંડ્યા

માર્ચની શરૂઆતમાં એક મહિલા કર્મચારી સિમરનનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે કહે છે કે તેણે તેના બોસને 22 જાન્યુઆરીએ જાણ કરી હતી કે 19 ફેબ્રુઆરીએ તે વિયેતનામ જશે. ત્યારે બૉસે ન હા કહી, ન ના કહી. તેણે કહ્યું, આપણે વાત કરીશું. અને 19 ફેબ્રુઆરીએ આ યુવતી વિયેતનામ જવા માટે ફ્લાઇટ પકડવા વિમાન મથકે પહોંચી ત્યારે તેના બૉસનો તેના પર મેસેજ આવ્યો:

`હાય, સિમરન, તમારી રજા આપણે રદ્દ કરવી પડી રહી છે, કારણકે એક અર્જન્સી આવી ગઈ છે.'

સિમરન કહે છે કે જ્યારે હું સામાન અને મિત્રો સાથે વિયેતનામની ફ્લાઇટ પકડવા ઍરપોર્ટ આવી ગઈ છું ત્યારે મને મેસેજ કરે છે. જો સવારે મેસેજ આવી ગયો હોત તો હું લેપટૉપ સાથે ઑફિસ ચાલી ગઈ હોત અને કામ પૂરું કરી દીધું હોત.

સિમરને ઉમેર્યું કે કામ તો જીવનભર ચાલતું જ રહેવાનું છે. પરંતુ હું એટલા માટે કમાઉં છું કે જેથી હું ફરી શકું. એટલા માટે નથી કમાતી કે હું વર્કોહૉલિક છું. પરંતુ પછી સિમરન જે ભાષા બોલે છે તેમાં ભલે ગાળો નથી, પરંતુ વાત `તું-તારી' પર આવી જાય છે અને કહે છે, `તું શું કરી લઈશ? તારે જે કરવું હોય તે કરી લે. બહુ-બહુ તો નોકરીમાંથી કાઢી મૂકીશ ને? હું નવી નોકરી શોધી લઈશ.'

આ કિસ્સામાં તમને કોનો વાંક લાગે છે? પહેલી દૃષ્ટિએ તો બૉસનો જ વાંક લાગે કે બૉસ છેલ્લી ઘડીએ તેની રજા રદ્દ કરે છે. વાત સાચી છે. બૉસે ના પાડવી હોય તો પહેલાં જ ના પાડી શક્યો હોત, પરંતુ બની શકે કે બૉસને એમ હોય કે સિમરન વગર કામ ચાલી જશે તો ના નથી પાડવી. એવું પણ બની શકે કે બૉસને એમ હોય કે પહેલેથી ના પાડી દઈશ તો સિમરન 19 ફેબ્રુઆરી સુધી પણ કામ બરાબર નહીં કરે. 

એવું પણ બની શકે કે બૉસ બીજા કામોમાં એટલો બધો ફસાયેલો હોય કે તે સિમરનને રજા દેવાની કે નહીં દેવાની તે વાત પર વિચાર જ ન કરી શક્યો હોય. આપણને એ નથી ખબર કે બૉસે આપણે પછી વાત કરીશું તેમ કહીને 22 જાન્યુઆરીએ વાત ટાળી દીધી હતી તો 19 ફેબ્રુઆરી આવી ત્યાં સુધીમાં સિમરને તેને સ્મરણ અપાવ્યું હતું કે કેમ? બૉસ, પછી મારી રજાનો શું નિર્ણય કર્યો? તે કરીને યાદ અપાવી શકાય.

અહીં પ્રશ્ન એ છે કે બૉસે, ચાલો, અવળચંડાઈ કરી જ. તેણે રજાની હા પણ ન પાડી અને ના પણ ન પાડી. આમ છતાં, સિમરને એમ કેમ ધારી લીધું કે તેની રજા નક્કી જ છે? અને તે બોરિયા-બિસ્તર લઈને વિયેતનામ જવા ઉપડી ગઈ? ઈત્યાદિ ઈત્યાદિ ...આ કેસમાં આવી અનેક શક્યતા છે.

કેટલીક વાર એવું પણ બને છે કે ઘણા કર્મચારી કોઈ તહેવાર કે પોતાના જન્મદિવસ પર ઑફિસે આવવું જ પડે તેમ હોય તો છેક સુધી નથી કહેતા હોતા અને પછી તે દિવસે સવારે મેસેજ કરીને કહી દે, `સૉરી બૉસ, આજે પેટમાં બહુ દુ:ખે છે, તો નહીં આવી શકાય'.

અહીં બૉસના દૃષ્ટિકોણથી પણ વિચારવાની આવશ્યકતા છે. કર્મચારીને તો રજા લઈને છટકી જવાનું છે, પણ તેનું કામ ચડશે તે કોણ કરશે? અને આવા દસથી લઈને સેંકડો સુધી કર્મચારીઓને સંભાળવાના બૉસે હોય છે. એકને રજા આપે તો બીજા પણ માગવા પહોંચી જાય. અને એમ ચાલ્યા રાખે તો કામ પ્રભાવિત થાય. બૉસને પણ તેના ઉપરી બૉસને જવાબ આપવાનો હોય અને તહેવારો કે બીજા કોઈ પ્રસંગે કર્મચારીઓ મોટી સંખ્યામાં અનુપસ્થિત રહે તો કામને કેવી રીતે પહોંચી વળાશે તેવો પ્રશ્ન આવે.

સામે પક્ષે કર્મચારીઓની પણ ફરિયાદ હોય છે કે એમના બૉસ પુરૂષ- સ્ત્રી કર્મચારી વચ્ચે પક્ષપાત કરે છે. (સુંદર ) મહિલા સ્ટાફરની રજા જલદી પાસ થઈ જાય, જ્યારે પુરુષ? 

આ બધા વચ્ચે આજે ઘણા નાના-મોટા ધંધા કે ઑફિસ ચલાવનારાઓની ફરિયાદ છે કે નવી પેઢીને નિષ્ઠાથી કામ કરવામાં રસ નથી. તેમને કંઈ કહીએ એટલે ધડ દઈને નોકરી છોડી દે. વળી, ગમે તેટલા સાચવીએ તો પણ થોડા વધુ પગાર માટે કૂદકો મારી નવી નોકરીમાં જોડાઈ જાય એટલી બધી આવડત નથી હોતી તોય એટિટ્યૂડ તો એવો રાખે ને એવું લાગે કે તેના વગર કંપની ચાલશે જ નહીં. એક તો સમય પર ન આવે, આવે તો ઘણો સમય ફોન પર મિત્રો કે સગાંવ્હાલાં સાથે ગપ્પાં મારવામાં કાઢે, એ ઉપરાંત પાછા વૉટ્સઍપ મેસેજ જોવાના, સોશ્યલ મીડિયા જોવાનું,

કેન્ટીનમાં ત્રણ વાર ચા પીવાની, દસ વાર પાણી-પેશાબ કરવા ઊભા થવાનું અને અડધો કલાક તો બીજા ડેસ્ક પર જઈને ઑફિસ ગોસિપ કરવાની. ને પાછો પગાર તો હાઇ ફાઇ જોતો હોય. ઘણા તો રજા લેવાની હોય તેની જાણ છેલ્લી ઘડીએ કરે અથવા જાણ જ ન કરે. મોડા આવવાના હોય તો પણ જાણ ન કરે. મોડા આવવું તે તેમનો સ્વભાવ હોય.

કહેવાનો અર્થ એ નથી કે નવી પેઢીમાં બધા જ કામચોર છે, પરંતુ આ પણ સિક્કાની ત્રીજી બાજુ તો છે ...