Tue Oct 06 2026

Logo

અજબ ગજબની દુનિયા : 91 વર્ષનાં જંગલનાં દાદીમા 19 વર્ષની કૉલેજની તરુણી

2026-09-09 14:15:00
Author: Henri Shashtri
અજબ ગજબની દુનિયા : 91 વર્ષનાં જંગલનાં દાદીમા 19 વર્ષની કૉલેજની તરુણી

હેન્રી શાસ્ત્રી 


91 વર્ષનાં જંગલનાં દાદીમા 19 વર્ષની કૉલેજની તરુણી 

આયુષ્યને અરમાન કે આકાંક્ષા સાથે મોટાભાગે સીધો સંબંધ હોય. 8 વર્ષની ઉંમરે રમતમાં ચોંટેલો જીવ 18 વર્ષની ઉંમરે અભ્યાસમાં ચોંટવાની શરૂઆત થાય અને પછી ક્રમશ: સંસાર, સામાજિક કાર્યો અને સાધુતા તરફ મન વળવા લાગે. જોકે કેરળના આલાપ્પુઝા જિલ્લાના મુથુકુલમ ગામના કોલ્લાક્કાયિલ દેવકી અમ્મા 91 વર્ષની મંદિરમાં બેસી પૂજાપાઠ કરવાની ઉંમરે 19 વર્ષી તરુણી જેવા ઉત્સાહ સાથે પર્યાવરણ માટે સક્રિયપણે કાર્યરત છે. આ વર્ષે તેમને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. જરાય કંટાળ્યા વિના અંગત રસ લઈ વન વિસ્તારને વહાલ કરવા બદલ તેઓ ‘વનમુથસ્સી’ (જંગલના દાદી) તરીકે ઓળખાય છે. આશરે 44 વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માતને કારણે ચાલવું તેમના માટે મુશ્કેલ બની ગયું હતું , પણ આફતમાં અવસર શોધવાની પ્રકૃતિને લીધે દુ:ખ અને એકલતામાંથી બહાર આવવા તેમણે પોતાના ઘરની પાછળની પડતર જમીનમાં છોડ રોપવાનું શરૂઆત કરી. ચાર દાયકાની અથાક મહેનતને પગલે પાંચ એકરની ઉજ્જડ રેતાળ જમીન એક ગાઢ જંગલમાં ફેરવાઈ ગઈ છે. એક નાનકડી શરૂઆત વિશાળ પરિણામ બની ગઈ છે. દાદીની આ જહેમતને ‘તપોવનમ’ નામ આપવામાં આવ્યું છે. આજે આ જંગલમાં ત્રણ હજારથી વધુ દેશી વૃક્ષ, છોડ અને ઔષધિઓ છે. આ નાનકડા જંગલમાં હવે મોર, દુર્લભ પક્ષીઓ અને અન્ય જીવો આશ્રય મેળવે છે. 

જોર લગા કે હઈસા, મહેલ થોડા થોડા ખઈસા

જાપાન સમૃદ્ધ અને અવિસ્મરણીય સંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આધુનિકતાને અપનાવી હોવા છતાં પરંપરા પ્રત્યે આદર અને સન્માન અકબંધ છે. મોડર્નનાઇઝેશનની સાથે સાથે એક હજાર વર્ષથી વધુ પ્રાચીન ટી સેરેમની (ચા બનાવવાની અને એ સર્વ કરવાની શૈલી), કિમોનો ડ્રેસ અને ફૂલ ગોઠવવાની ઈકેબાના આર્ટ માટે પણ લગાવ જળવાઈ રહ્યો છે. આ સંસ્કૃતિ ને કલા પ્રેમને કારણે જ 2015ના ભૂકંપથી નુકસાન પામેલી દીવાલોના સમારકામ માટે આઓમોડી સ્થિત 400 વર્ષ જૂના હિરોસાકી કિલ્લાને ખસેડવામાં આવ્યો હતો, ભૂકંપને લીધે કિલ્લાના પાયાની પથ્થરની દીવાલોને નુકસાન થયું હતું. સમારકામ કર્યા પછી કિલ્લાને મૂળ સ્થાને પાછો લાવી દેવામાં આવ્યો છે. 360 ટન વજનના આ કિલ્લાને 1800 લોકોના ‘તજ્ઞ-યિ, તજ્ઞ-યિ’ (આપણા ‘જોર લગા કે હઈસા’ જેવું)ના બુલંદ અવાજમાં 2.22 મીટર (આશરે 7 ફૂટ 4 ઇંચ) જેટલો - શનિવારે 1.13 મીટર અને રવિવારે 1.09 મીટર ખસેડવામાં આવ્યો હતો. આ કામ માટે ‘હિકિયા’ તરીકે ઓળખાતી પ્રાચીન જાપાનીઝ પદ્ધતિનો ઉપયોગ થયો હતો , જેમાં ઇમારતોને તોડી પાડ્યા વિના રેલ અને રોલર્સની મદદથી ખસેડવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે 1800 લોકોની જરૂર હતી, પણ દેશભરમાંથી અને કેટલાક તો વિદેશથી આવી જતા 8000 લોકો સેવા આપવા હાજર થઈ ગયા હતા. 80 લોકોની ટીમ વારાફરતી કામે લાગી અને આ ભગીરથ કામ બે દિવસમાં પૂરું કર્યું હતું.

વિજયપત સિંઘાનિયાનો વિશ્ર્વ વિક્રમ

ગઈ કાલે 8 સપ્ટેમ્બર હતી. બરાબર 28 વર્ષ પહેલાં 1998માં આજના દિવસે સફળ બિઝનેસમેન અને હવાઈ ઉડ્ડયનના શોખીન વિજયપત સિંઘાનિયાએ હવાઈ જહાજની મુસાફરીમાં વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. બ્રિટનથી ભારત સુધીનું આશરે 6000 માઈલનું અંતર કોફિનની સાઇઝના એક નાનકડા વિમાનમાં માત્ર 23 દિવસમાં  સિંઘાનિયાજીએ પૂરું કર્યું હતું. તેમણે બ્રિટિશ પત્રકાર બ્રાયન મિલ્ટનનો 34 દિવસનો વિશ્ર્વ વિક્રમ તોડીને ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉડર્સ’માં સ્થાન મેળવ્યું હતું. જોકે આ ગગનવિહારી સિંઘાનિયાનું પાછલી ઉંમરનું જીવન પુત્ર સાથેના વિવાદને પગલે બદતર થઈ ગયું હતું. આ વર્ષે માર્ચમાં તેમનું 88 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. 

8મી સપ્ટેમ્બરના રોજ બીજી પણ કેટલીક  ઘટના બની હતી, જેમ કે 1962ની આઠમી સપ્ટેમ્બરે ચીનના લશ્કરે ભારતના પૂર્વ વિસ્તારમાં પહેલીવાર ઘૂસણખોરી કરી હતી. ચીનની આ હરકતને પગલે 20 ઑક્ટોબર, 1962ના દિવસે ભારત-ચીન યુદ્ધ શરૂ થયું હતું જે એક મહિનો અને એક દિવસ ચાલી 21 નવેમ્બરે સમાપ્ત થયું હતું. 

બીજા વિશ્વ યુદ્ધમાં મહત્ત્વ ધરાવતી રશિયન શહેર લેનિનગ્રાડકબજે કરવાની લડતનો પ્રારંભ 8 સપ્ટેમ્બર, 1941ના દિવસે શરૂ થયો હતો અને 872 દિવસ ચાલેલી આ લડતમાં લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં. આલ્ફ્રેડ હિચકોકની અદ્ભુત ફિલ્મ ‘સાયકો’ આજ  દિવસે 1960માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકો ક્યારેય નહીં ભૂલે અને એમાંય શાવરમાં અભિનેત્રી જેનેટ લેના પાત્રની હત્યાનો સીન અવિસ્મરણીય બની ગયો છે. 

સૌથી વધુ 850 કિલો, સૌથી ઓછું પાંચ મિલીગ્રામ

લંડનનાં જોવાલાયક સ્થળોમાં ઝૂઓલૉજિકલ સોસાયટી ઑફ લંડન દ્વારા 200 વર્ષ પહેલાં  શરૂ કરવામાં આવેલું લંડન ઝૂ - પ્રાણી સંગ્રહાલય 700 પ્રજાતિનાં 20 હજાર પ્રાણી સંગ્રહ ઉપરાંત એમનું વજન કરવાની વિશિષ્ટ શૈલી માટે પણ ખ્યાતિ ધરાવે છે. ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં તો નાના મોટા બધા જીવને તો ‘મજ્જાની લાઇફ’ હોય તો પછી વજન કરવાનું કારણ શું? કોઈ ફૅશન શો કે વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય? ના ભાઈ ના. મૅનેજર ખુલાસો કરે છે કે ‘નાનાં-મોટાં દરેક પ્રાણીનું વજન કરવામાં આવે છે. આમ કરવાથી પ્રાણીઓના સ્વાસ્થ્યનો, એ બરાબર ખોરાક લે છે કે નહીં અને જે ગતિએ એમની વૃદ્ધિ થવી જોઈએ એ થાય છે કે નહીં એનો ખ્યાલ આવે છે. જોકે વજન આરોગ્ય તરફ તો નિર્દેશ કરે જ છે, પણ એમની કમરના ભાગના વિસ્તાર પરથી માદા પ્રેગ્નન્ટ છે કે નહીં એનો પણ ખ્યાલ આવે છે. લંડનના  આ  પ્રાણી સંગ્રહાલયમાં સૌથી વજનદાર પ્રાણી જિરાફ છે. એલિસ નામના જિરાફનું વજન 850 કિલો છે અને એની ઊંચાઈ 15 ફૂટ છે. સૌથી હળવુંફૂલ પ્રાણી ‘લીફ કટર એન્ટ’ (છોડના પાન કોતરી ખાતી કીડી) છે જેનું વજન છે માત્ર પાંચ મિલીગ્રામ. એની મહત્તમ લંબાઈ દોઢ ઇંચની હોય છે. વજન માપવા માટે પ્રાણીઓની પ્રકૃતિ અને કદ મુજબ જુદી જુદી રમૂજી અને સ્માર્ટ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. એક જગ્યાએ સખણા ન બેસી શકતા પેંગ્વિનને ખાવા માટે માછલી આપીને તેમને સ્વેચ્છાએ વજનકાંટા પર ચાલવા માટે લલચાવવામાં આવે છે. ‘સ્ક્વિરલ મંકી’ તરીકે જાણીતા નાના વાંદરાઓનું ધ્યાન દોરવા માટે લાકડી પર બ્લુ રંગના બૉલ રાખવામાં આવે છે. વાંદરા આ બૉલ તરફ આકર્ષાય છે અને વજનકાંટા પર પહોંચે છે.

લ્યો કરો વાત 

ત્રણ કરોડની વસતિ ધરાવતા પશ્ર્ચિમ આફ્રિકાના દેશ કેમરૂનના પ્રેસિડેન્ટ પોલ બિયા એક અનન્ય રાજકીય સિદ્ધિ ધરાવે છે. વર્તમાન રાજકીય શાસકોમાં એમના જેટલી પ્રદીર્ઘ કારકિર્દી કોઈ પણ દેશના નેતાના નામે નથી. 1975માં 42 વર્ષની ઉંમરે તેઓ કેમરૂનના વડા પ્રધાન બન્યા હતા. સાત વર્ષ પીએમ રહ્યા પછી 1982માં સત્તાધીશ પ્રેસિડેન્ટએ અચાનક રાજીનામું આપતા બંધારણ અનુસાર બિયાને પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા. ત્યારબાદ 1984, 1988, 1992, 1997, 2004, 2011, 2018 અને 2025માં પણ ફરી ફરી બિયા જ પ્રેસિડેન્ટ બનતા રહ્યા. આમ 51 વર્ષથી તે સત્તારૂઢ છે અને આજની તારીખમાં એમની ઉંમર 93 વર્ષ છે અને ગયા વર્ષે 92 વર્ષની આયુમાં 53 ટકા મત સાથે તેઓ આઠમી વાર પ્રેસિડેન્ટ બન્યા ત્યારે વિરોધ પક્ષો દ્વારા ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા હતા, પણ બિયાનો વાળ પણ વાંકો ન થયો.