થાણે: થાણેમાં રહેતા ખાનગી કંપનીના કર્મચારીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ બતાવી બનાવટી પ્લૅટફોર્મના માધ્યમથી 64 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.
આ પ્રકરણે 44 વર્ષના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છેલ્લાં બે મહિનામાં અનેક ટ્રાન્ઝેક્શન દ્વારા ફરિયાદીએ વિવિધ બૅન્ક ખાતાંમાં 63.90 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
ફરિયાદ અનુસાર એક મહિલાએ ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. મહિલાએ પોતાની ઓળખ ક્રિપ્ટોકરન્સી પ્લૅટફોર્મની પ્રતિનિધિ તરીકે આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદીને ઊંચા વળતરની લાલચ આપવામાં આવી હતી. પછી બનાવટી પ્લૅટફોર્મના કસ્ટમર કૅર પ્રતિનિધિ દ્વારા આપવામાં આવેલાં બૅન્ક ખાતાઓમાં ફરિયાદીએ 13 ટ્રાન્ઝેક્શન દ્વારા નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. જોકે પછી વળતર તો ઠીક, મૂળ રકમ પણ ફરિયાદીને પાછી મળી નહોતી.
પોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ફરિયાદને આધારે મંગળવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 319 (2) અને 318 તેમ જ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)