થાણે: થાણેની વિશેષ કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં 53 વર્ષના દરજીને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે તપાસકર્તા પક્ષના પુરાવા ‘યોગ્ય અને વિશ્ર્વસનીય’ નથી અને કૃત્યને ફોન પર રેકોર્ડ કરવાના પીડિતાના દાવા સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.
પોક્સો કેસની સુનાવણી કરતા વિશેષ જજ પ્રેમલ એસ. વિઠલાણીએ 9 એપ્રિલે ચુકાદો આપ્યો હતો અને પીડિતાની જુબાનીમાં વિસંગતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો કે થાણેમાં ડિસેમ્બર, 2022થી જાન્યુઆરી, 2023 દરમિયાન 17 વર્ષની પીડિતાના પડોશી અને વ્યવસાયે દરજી એવા આરોપીએ પીડિતાની માતા પાસેથી ઘરની ચાવી મેળવ્યા પીડિતા પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.
પીડિતાએ દાવો કર્યો હતો કે 14 જાન્યુઆરી, 2023ના રોજ આરોપીએ ચોરીછૂપે તેનો અશ્ર્લીલ વીડિયો ઉતાર્યો હતો. પીડિતાની માતા એ વિસ્તારમાં લોકોના ઘરમાં રસોઇ બનાવતી હતી અને પીડિતાના પિતાએ તેના પર કથિત બળાત્કાર ગુજાર્યો હોવાથી તે ઘરને બહારથી તાળું મારતી હતી અને ઘરે પાછી ન આવે ત્યાં સુધી ચાવી આરોપી પાસે રાખતી હતી.
જોકે આરોપીએ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો હતો અને તેણે ધમકી આપ્યા બાદ પીડિતા પર ઘણી વાર બળાત્કાર ગુજાર્યો હતો, એવો તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા તેમ જ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી અને જાન્યુઆરી, 2023માં તે જેલમાં રહ્યો હતો.
વિશેષ જજે પીડિતાની કોર્ટમાંની જુબાની અને અગાઉ તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદન વચ્ચે વિસંગતિઓ હોવાનું નોંધ્યું હતું. પીડિતાએ કહ્યું હતું કે પહેલી ઘટના આરોપીના ઘરે બની હતી, જ્યારે તેના અગાઉના નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી ગુનો આચરવા માટે તેના ઘરમાં ઘૂસ્યો હતો. (પીટીઆઇ)