થાણે: થાણે જિલ્લામાં પૂરપાટ વેગે આવેલી કારે સ્કૂટરને અડફેટે લેતાં છ વર્ષની બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી, એમ પોલીસે જણાવ્યું હતું
.
ભિવંડી વિસ્તારમાં તીન બત્તી માર્કેટ નજીક 8 સપ્ટેમ્બરે આ અકસ્માત થયો હતો, જેમાં ઘવાયેલી બાળકીની ઓળખ માહેરા મોમિન તરીકે થઇ હતી.
મોહંમદ મુખ્તાર અહમદ મોમિન 8 સપ્ટેમ્બરે તેની પુત્રી માહેરા સાથે સ્કૂટર પર જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે આવેલી કારે તેના સ્કૂટરને ટક્કર મારી હતી. કારની ટક્કરને કારણે માહેરા સ્કૂટર પરથી નીચે પટકાઇ હતી અને તેને ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્માત બાદ ઘાયલ બાળકીને હોસ્પિટલમાં લઇ જવાને બદલે કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. બાળકીના પિતા મોહંમદ મુખ્તારે આ પ્રકરણે ભિવંડી શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ ફરાર કારચાલકની શોધ ચલાવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)