બોલો, તમે શું કહો છો? - જૂઈ પાર્થ
એક દો તીન ચાર, ગણપતિ કા જયજયકાર; પાંચ છે સાત આઠ, ગણપતિ હમારે સાથ; ઈક્કીસ બાઈસ તેઈસ ચોબીસ, ગણપતિ હમારી ચૉઈસ; ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા, બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય!
સમગ્ર પારેખ અને શિંદે પરિવારે ભાવપૂર્વક ગણપતિની આરતી સંપન્ન કરી.
કલ્યાણીબેટા, ચાલો બધાને આરતી આપી પ્રસાદ આપી દો, પછી બધા સાથે જમવા બેસીએ. ભાવનાબહેનના કહ્યા પ્રમાણે કલ્યાણીએ કર્યું અને પછી મિત્રો પરિવાર સાથે જમવા બેઠાં.
સાસુવહુએ મળીને ગુજરાતી-મહારાષ્ટ્રિયન ભાણાની શ્રેષ્ઠ વાનગીઓ બનાવી હતી. ભોજન બાદ સહુએ ભજન કીર્તન કર્યું, ભેગાં આનંદ કરીને પછી છૂટાં પડ્યાં.
આજથી બે વર્ષ પહેલાં પારેખ પરિવારમાં ગણેશ ઉત્સવનું નામોનિશાન નહોતું. ભાવનાબહેન જરા જુનવાણી પ્રકારનાં સાસુ. કલ્યાણી મહારાષ્ટ્રિયન હતી. એનાં અને હેમાંગનાં પ્રેમ લગ્ન હતાં. લગ્ન કરવા બંનેના પરિવારનો સખત વિરોધ હતો, પણ હેમાંગ-કલ્યાણીએ ધીરજપૂર્વક એ લોકોની હા પાડવાની રાહ જોઈ અને છેવટે બેય પરિવારે ના-મને પણ એમનાં લગ્ન કરાવ્યાં. કલ્યાણી સંસ્કારી અને ખૂબ હોંશીલી. લગ્નના છ મહિનામાં ગણેશોત્સવ આવ્યો. એણે ભાવનાબહેન સમક્ષ ઘેર ગણપતિ તેડવાની ઇચ્છા વ્યક્ત કરી, કારણ કે વર્ષોથી કલ્યાણી એના પિયરમાં એ જ સંસ્કાર સાથે ઊછેરી હતી. આ બનાવ સમયે એને કહી દેવામાં આવ્યું હતું કે જે ઘરમાં પરણીને આવ્યા હો એના જ નિયમો માનવાના હોય. આપણા ઘરમાં ક્યારેય આ પ્રકારની ઉજવણીઓ થઈ નથી અને થશે પણ નહીં.
ભાવનાબહેનની આ વાતથી કલ્યાણીની લાગણી ખૂબ દુભાઈ હતી. એ વર્ષે એ કંઈ ના બોલી. બીજા વર્ષે એ કોઈને પૂછ્યા વિના ગણપતિની નાનકડી મૂર્તિ લઈ આવી. પોતે એકલી બેસીને પૂજાપાઠ કરે અને કોઈને પ્રસાદ સુધ્ધાંનું દબાણ ના કરે. ઘરના બધા આ જોયા કરે, પણ ભાવનાબહેને ગયા વર્ષે કહ્યું હતું એની વિરુદ્ધ કલ્યાણીનો સાથ આપવાની કોઈની હિંમત ના ચાલે. અંતે વિસર્જનના દિવસે કલ્યાણી સાથે હેમાંગ જોડાયો. હેમાંગને જોઈ એના પપ્પા પણ અને ગણપતિ બાપ્પાના વિસર્જનની પહેલી ડૂબકી સમયે ભાવનાબહેન પણ જોડાયાં. એમણે કલ્યાણીની માફી માગી અને કહ્યું કે બેટા, ભગવાનનાં કામમાં આડી આવનારી હું કોણ? હવેથી આપણે તારા અને અમારા બધા તહેવારોને આપણા બનાવીને ધામધૂમથી સાથે મળીને ઊજવીશું.
આપણા સમાજમાં એક વણબોલી પ્રચલિત પ્રથા પ્રવર્તે છે કે દીકરીમાંથી વહુ બને એટલે પિયરનું ભૂલીને સાસરાના જ વહેવારો અને તહેવારો, રીતરિવાજો, સામાજિક પ્રસંગો સાચવવાના ને ઊજવવાના. જે દીકરી વીસ-પચીસ-ત્રીસ વર્ષ સુધી જે જોતી મોટી થઈ છે એ ઘડીભરમાં ભૂલવું શક્ય છે? લગ્ન આંતરજ્ઞાતીય હોય કે પોતાની જ જ્ઞાતિમાં, ઘેર ઘેર વારતહેવાર ઊજવવાની રીત થોડી તો અલગ પડે જ, પરંતુ એના કારણે નવાને આવકાર ના આપવો એ કેટલી હદે ઉચિત ગણાય એ વિચારવા જેવું છે. કહેવાય છેને કે લગ્ન માત્ર બે વ્યક્તિઓનું નહીં, બે પરિવારો અને બે સંસ્કારોનું મિલન છે. તો પછી તહેવારો હોય કે રોજિંદી રીતભાત કે ખાણીપીણી, એમાંથી બાકાત કેવી રીતે રહી શકે! અરે, રસોડું સંસ્કૃતિઓને જોડવાનું સુંદર માધ્યમ બની શકે, ખાસ કરીને આંતરજ્ઞાતીય લગ્નોમાં. જ્યારે બંને પક્ષની શ્રેષ્ઠતમ વસ્તુઓ અપનાવવાનો અને માણવાનો મોકો મળે ત્યારે નવા તરફ ઉદાસીનતા રાખવી એ થોડું ખૂંચે છે.
તહેવારોનો મૂળ ભાવ છે કે સગાંસંબંધીઓ મિત્રો જે સામાન્ય સંજોગોમાં નથી મળતાં એમને મળી સાથે ઉજવણી કરી શકાય. એમા મારું તમારું નહીં ફક્ત આપણું જ હોઈ શકે. પરંપરા વારસામાં મળે છે, પણ પરિવારો તેને નવીરીતે જીવંત રાખે છે. તો પછી નિયમો પણ પરિવાર તરીકે સહુનું મન અને માન જળવાય એવા હોય તો સાચે જ ઘર મંદિર લાગે. એ સમજવાની જરૂર છે કે નવું અપનાવવું એટલે જૂનાનો અંત નહીં પણ એમાં નવાનો ઉમેરો.
લગ્ન પછી વહુને સાસરીના રીતરિવાજ અપનાવવાની અપેક્ષા રાખીએ છીએ, તો ક્યારેક એના પિયરના એકાદ રિવાજને પણ અપનાવી શકાય, કારણ કે વહુ પણ કોઈની દીકરી છે. જે વાતાવરણમાં એ નાનપણથી ઉછરી છે એ વાતાવરણ એની પાસેથી છીનવી લીધા કરતાં એનું પોતાનામાં ભેળવી દેવું શું ખોટું? સંસ્કારનો અર્થ પોતાની પરંપરાને પકડીને બીજાની પરંપરાને નકારી દેવાનો નથી. સંસ્કારનો સાચો અર્થ તો બીજાના ભાવને સમજવાનો છે. ઘરમાં ગણપતિની મૂર્તિ મોટી હોય કે નાની, આરતી કોઈ પણ ભાષાની કેમ ન હોય, પ્રસાદમાં મોદક હોય કે લાડુ, આનાથી ભગવાન સુધી પહોંચતી પ્રાર્થનામાં ફેર પડવાનો? ફરક તો આપણા મનમાં ઊભી કરેલી દીવાલોમાં છે. એ આ દીવાલો તોડી દઈએ તો કદાચ સમજાય કે તહેવારો વહેંચવાથી ઓછા નથી થતા, પણ ઉજવણીઓ વધતી જાય છે.
આ વિશે બોલો, તમે શું કહો છો?