નવી દિલ્હીઃ માળખાકીય ક્ષેત્રની કંપની ટેક્નોક્રાફ્ટ વેન્ચરના ઑફર ફોર સેલ સહિત નવાં શૅર જારી કરવા સાથેનાં રૂ. 252 કરોડનાં ભંડોળ એકત્રિત કરવા માટે ઈનિશિયલ પબ્લિક ઑફરીંગ(આઈપીઓ) અથવા તો જાહેર ભરણું આગામી સાતમી ઑગસ્ટના રોજ ખૂલશે. નોઈડા સ્થિત આ કંપનીએ જણાવ્યું હતું કે ભરણા માટેની પ્રાઈસ બૅન્ડ શૅરદીઠ રૂ. 200થી 212 નિર્ધારિત કરવામાં આવી છે અને ભરણામાં બિડ કરવા માટેની અંતિમ તારીખ 11મી ઑગસ્ટ છે. જોકે, એન્કર ઈન્વેસ્ટર માટે બિડિંગ છઠ્ઠી ઑગસ્ટનાં રોજ શરૂ થશે.
આઈપીઓમાં નવાં 95.05 લાખ ઈક્વિટી શૅર જારી કરવામાં આવશે અને 23.76 લાખ શૅર શેરધારક કાર્તિકેય ક્નસ્ટ્રક્શન દ્વારા અપર પ્રાઈસ બૅન્ડનાં ભાવથી વેચવામાં આવશે. આમ કુલ ભરણું રૂ. 251.88 કરોડ આસપાસ જેટલું રહેશે. કંપનીના પ્રોસ્પેક્ટસ અનુસાર નવા શૅર મારફતે એકત્રિત થનાર રૂ. 150 કરોડનાં ભંડોળનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની આવશ્યકતા માટે વપરાશે, જ્યારે શેષ રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુસર અને ઓફરને લગતા ખર્ચ માટે થશે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત 15મી જુલાઈનાં રોજ કંપનીની ઓર્ડર બૂકમાં રૂ. 1320.73 કરોડનાં 19 પ્રોજેક્ટનો સમાવેશ થતો હતો. તેમ જ ગત નાણાકીય વર્ષ 2026માં કંપનીની કાર્યકારી આવક આગલા નાણાકીય વર્ષનાં રૂ. 276.56 કરોડ સામે વધીને રૂ. 344.99 કરોડની સપાટીએ કંપનીનો કરવેરા બાદનો ચોખ્ખો નફો આગલા નાણાકીય વર્ષના રૂ. 28.20 કરોડ સામે વધીને રૂ. 432.32 કરોડની સપાટીએ રહ્યો હતો.
કંપનીના ભરણામાં બૂક રનિંગ લીડ મેનેજર ખંબાતા સિક્યોરિટીઝ છે અને બિગ સર્વિસીસ રજિસ્ટ્રાર છે. તેમ જ કંપનીના શૅરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ ખાતે કરવામાં આવશે, એમ કંપનીએ યાદીમાં ઉમેર્યું હતું.