Sat Aug 15 2026

Logo

તસવીરની આરપારઃ ગુજરાતનાં ગોપાલક હજુ ટ્રેડિશનલ ડ્રેસ ને ઘરેણાં પહેરે છે!

2026-08-05 08:20:12
Author: Bhatti N
Article Image

ભાટી. એન.

ગુજરાતની લોકસંસ્કૃતિમાં માલધારી ભરવાડ સમાજનું સ્થાન આગવું અને ગૌરવપૂર્ણ છે. આધુનિકતાના વધતા પ્રભાવ વચ્ચે પણ કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે પણ પરંપરાગત ગ્રામ્ય પહેરવેશ જીવંત જોવા મળે છે. પુરુષો સફેદ વસ્ત્રોમાં કેડિયું, બંડી, ચોરણી અને પાઘડી ધારણ કરે છે, જે તેમની સાદગી, શૌર્ય અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. ગળામાં ફૂલહાર, કાંઠલો, ડોડી તેમ જ કાનમાં ભૂગરી અને હાથમાં સોના કે ચાંદીના કડા તેમના પરંપરાગત શણગારને વધુ આકર્ષક બનાવે છે.

માલધારી મહિલાઓનો પહેરવેશ તો ગુજરાતની લોકકલાનો જીવંત અરીસો કહેવાય. રંગબેરંગી ઓઢણી, કાપડું અને કાળા રંગનો પરંપરાગત થાપળો (ઘાઘરો) તેમની આગવી ઓળખ છે. ગળામાં પહીહાર, બરઘલી અને ડોડી, કાનમાં બૂટી, ઠોરીયા, નખલીયું અને દાણો, હાથમાં બંગડીઓ તેમજ પગમાં ચાંદીના કડા, કાબિયાં, સાકરાં અને અંગૂઠી જેવા ઘરેણાં તેમની સુંદરતા સાથે સાંસ્કૃતિક વૈભવને પણ ઉજાગર કરે છે. તેમની વેશભૂષા માત્ર શણગાર નથી, પરંતુ પેઢી દર પેઢી જળવાયેલી પરંપરાનું જીવંત પ્રતીક છે.

માલધારી સમાજનો જીવનવ્યવહાર પ્રકૃતિ અને પશુપાલન સાથે ગાઢ રીતે જોડાયેલો છે. ગાય, ભેંસ, બકરાં અને ઘેટાંનું પાલન કરીને તેઓ સ્વાભિમાનપૂર્વક પોતાનું ગુજરાન ચલાવે છે અને ગ્રામ્ય અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન આપે છે. તેમની સાદગી, પરિશ્રમ, અતિથિભાવ અને સંસ્કૃતિ પ્રત્યેની અડગ નિષ્ઠા ગુજરાતની અમૂલ્ય ધરોહર છે. બદલાતા સમય છતાં પોતાની પરંપરા, પહેરવેશ અને જીવનમૂલ્યોને સાચવી રાખનાર માલધારી ભરવાડ સમાજ ખરેખર ગુજરાતની લોકસંસ્કૃતિનું ગૌરવ છે.