ચેન્નઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદથી રાજ્યના રાજકારણમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. નવા મુખ્ય પ્રધાન વિજયે જ્યોતિષ રિકી રાધન પંડિતને ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી(OSD) તરીકે નિયુક્ત કરતા વિવાદ સર્જાયો હતો. TVK સરકારને ટેકો આપતા પક્ષોના દબાણ હેઠળ રિકી રાધન પંડિતને પદ પરથી હટાવવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન વિજયે ગઈ કાલે મંગળવારે જ્યોતિષ રિકી રાધન પંડિતને OSD તરીકે નિયુક્ત કર્યા હતાં, આ નિર્ણયના 24 કલાકમાં તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે જ્યોતિષ રિકી રાધન પંડિતે વિધાનસભા ચૂંટણીમાં વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ની જીતની આગાહી કરી હતી અને વિજયના શપથ ગ્રહણનો સમય પણ તેમણે જ નક્કી કર્યો હતો.
આ પક્ષો વિરોધ દાખવ્યો:
વિજયન આ પગલાથી તમિલનાડુના રાજકીય વર્તુળોમાં મોટો વિવાદ થયો. TVK સરકારને ટેકો આપનારા વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK), સીપીઆઈએમ અને સીપીઆઈ જેવા પક્ષોએ આ પગલાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.
વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા, VCK વિધાનસભ્ય વાણી આર્સુએ સરકારને વૈજ્ઞાનિક અને તર્કસંગત વિચારસરણી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને અંધશ્રદ્ધા પર ધ્યાન ન આપવા વિનંતી કરી.
દેશિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK) ના નેતા પ્રેમલથા વિજયકાંતે મુખ્ય પ્રધાન વિજય પર સવાલ ઉઠાવતા કહ્યું કે પાર્ટીની તરફેણમાં મતદાન કરનાર લોકો ખાસ કરીને યુવાનો સામે તેમણે એક ખોટું ઉદાહરણ રજૂ કર્યું છે.
VCK અને ડાબેરી પક્ષોએ TVK સરકાર પાસેથી ટેકો પાછો ખેંચ્યો ન હતો, પરંતુ તેમને અસંતોષ દર્શાવતા ભારે રાજકીય હોબાળો મચી ગયો હતો.