Wed Sep 02 2026

Logo

IND vs SA: અભિષેકની જગ્યાએ સંજુ સેમસનને મળી શકે છે સ્થાન? જુઓ સાઉથ આફ્રિકા સામે સંજુનો રેકોર્ડ

2026-02-22 13:12:00
Author: Savan Zalariya
IND vs SA: અભિષેકની જગ્યાએ સંજુ સેમસનને મળી શકે છે સ્થાન? જુઓ સાઉથ આફ્રિકા સામે સંજુનો રેકોર્ડ

અમદાવાદ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 સ્ટેજમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ રમાશે, બંને ટીમો આ ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે, પણ આજે બંનેમાંથી એક ટીમનો વિજય રથ રોકાશે એ નક્કી છે. આજે ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે, સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવા અંગે ચર્ચા થઇ રહી છે.

નોંધનીય છે કે ICC T20I રેકિંગમાં નંબર-1 બેટર અભિષેક શર્મા હાલ ખુબજ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે, T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં તે ત્રણ મેચ રમ્યો પણ રનનું ખાતું પણ ખોલી શક્યો નથી, એવામાં સંજુ સેમસનને તક આપવા અંગે વિચાર કરવામાં આવી શકે છે.

દક્ષિણ આફ્રિકા સામે સંજુનો રેકોર્ડ:
નોંધનીય છે કે, દક્ષિણ આફ્રિકા સામે સંજુ સેમસનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. T20I ફોર્મેટમાં સંજુ સેમસને દક્ષિણ આફ્રિકા સામે બે T20I સદી છે. વર્ષ 2024માં ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન, સંજુએ 4 મેચોમાં 72.00 ની એવરેજ અને 194.59 ના સ્ટ્રાઇક રેટથી 216 રન બનાવ્યા હતા.

પાંચ T20I મેચની સિરીઝની પહેલી મેચમાં  સંજુએ 50 બોલમાં 107 રન બનાવ્યા હતાં, ત્યાર બાદ ચોથી મેચમાં 56 બોલમાં અણનમ 109 રન બનાવ્યા હતાં. ચોથી T20I મેચમ તેણે તિલક વર્મા સાથે અણનમ 210 રનની રેકોર્ડ પાર્ટનરશીપ કરી હતી.

ગઈ કાલે શનિવારે સંજુ સેમસને એક કલાક સુધી નેટમાં પ્રેક્ટિસ કરી હતી, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તેને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં તક મળે.

સૂર્યકુમાર યાદવે શું કહ્યું?
ગઈ કાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે અભિષેકની પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અભિષેકના ફોર્મ અંગેના એક પ્રશ્નના જવાબમાં સુર્યાએ કહ્યું કે, "જેઓ અભિષેકના ફોર્મ વિશે ચિંતા કરી રહ્યા છે, મને તેમની ચિંતા છે. ગયા વર્ષે તેણે અમને કવર કર્યા હતા, હવે અમે તેને કવર કરીશું."

ભારતની પ્લેઇંગ-11 વિષે ચિત્ર ટોસ બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ જ સ્પષ્ટ કરશે.