Mon Sep 07 2026

Logo

શું ખરેખર સુરભિ જ્યોતિ ટ્વિન્સને જન્મ આપશે? વાયરલ પોસ્ટ પર એક્ટ્રેસે તોડ્યું મૌન!

2026-04-05 19:12:54
Author: Mumbai Samachar Team
શું ખરેખર સુરભિ જ્યોતિ ટ્વિન્સને જન્મ આપશે? વાયરલ પોસ્ટ પર એક્ટ્રેસે તોડ્યું મૌન!

મુંબઈ: ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી સુરભિ જ્યોતિ છેલ્લા કેટલાક સમયથી સતત લાઈમલાઈટમાં છે. પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનારી સુરભિ અત્યારે તેના જીવનના એક નવા અને સુંદર તબક્કા એટલે કે પ્રેગ્નેન્સીને એન્જોય કરી રહી છે. જોકે, આ ખુશીની ક્ષણો વચ્ચે સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નેન્સીને લઈને અનેક અટકળો અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જેના પર હવે એક્ટ્રેસે પોતે જ મૌન તોડ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ટરનેટ પર એક સોનોગ્રાફીની તસવીર જોરશોરથી વાયરલ થઈ રહી હતી. આ તસવીરને સુરભિ જ્યોતિની ગણાવીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટ્રેસ જોડિયા (ટ્વિન્સ) બાળકોની માતા બનવાની છે. નેટિઝન્સ અને ચાહકોમાં આ સમાચારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ આ વાયરલ રિપોર્ટમાં કેટલી સત્યતા છે તે અંગે મોટો સવાલ ઉભો થયો હતો, કારણ કે સુરભિએ પોતે આવો કોઈ પોસ્ટ શેર કરી ન હોતી.

વાયરલ થઈ રહેલા ખોટા સમાચારો પર પૂર્ણવિરામ મૂકતા સુરભિએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સ્પષ્ટતા કરી છે. તેણે ટ્વિન પ્રેગ્નેન્સીના સમાચારોને નકારતા લખ્યું કે, “નો આઈ એમ નોટ હેવિંગ ટ્વિન્સ”. આ પોસ્ટ દ્વારા તેણે સાબિત કરી દીધું છે કે સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહેલા રિપોર્ટ્સ માત્ર એક અફવા હતી. આ સ્પષ્ટતા બાદ હવે ફેન્સમાં ચાલી રહેલી ગડમથલ શાંત થઈ છે.

સુરભિ જ્યોતિ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેનો પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ જોઈ શકાય છે. તે પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે અને પહેલા કરતા પણ વધુ સુંદર લાગી રહી છે. નોંધનીય છે કે, સુરભિએ વર્ષ 2024 માં તેના લોંગટાઈમ બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ દોઢ વર્ષ બાદ આ કપલ પોતાના પ્રથમ સંતાનનું સ્વાગત કરવા માટે તૈયાર છે.