અમદાવાદઃ સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યાનું કારણ રેગિંગ અને માનસિક પજવણી હોવાનું પ્રકાશમાં આવ્યું છે ત્યારે ફરી શૈક્ષણિક સંસ્થાઓ થતી રેગિંગનો મુદ્દો ઉજાગર થયો છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રવક્તા ડૉ પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં રેગિંગના લીધે મેડિકલ કોલેજના વિધાર્થીની આત્મહત્યાની કરુણ ઘટના ખૂબ દુઃખદ છે.
રેગિંગની સેંકડો ફરિયાદ હોવા છતાં વિધાર્થીઓનું રેગિંગ અટકાવવામાં શૈક્ષણિક સંસ્થાઓ નિષ્ફળ છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૨૨ દરમિયાન યુજીસીની વેબસાઇટ મુજબ ૧૦૫ રેગિંગની ફરિયાદ થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ સુધીમાં ફરિયાદ દોઢ ગણી કરતા વધારે થઈ ગઈ છે. યુજીસીની વેબસાઇટ મુજબ છેલ્લા ૪ વર્ષમાં ૮૬ ફરિયાદ થઈ છે. પાટણની ધારપુર કોલેજના વિદ્યાર્થીનો રેગિંગના પાપે જીવ ગુમાવવો પડ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં ૨૩ રેગિંગની ફરિયાદ ગુજરાતની મેડિકલ કોલેજમાં નોંધાઈ છે. ગુજરાતની કુલ રેગિંગની ફરિયાદ પૈકી ૨૬% થી વધુ ફરિયાદ માત્ર મેડિકલ કોલેજમાં મળી આવી છે. છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર દેશમાં ૫૧૧૩ રેગિંગની ફરિયાદ નોંધાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું.
સ્ટેટ ઓફ રેગિંગ ઇન ઇન્ડિયા ૨૦૨૨- ૨૦૨૪ રિપોર્ટમાં ચોંકાવનારો મૃત્યુ આંક સામે આવ્યો છે. રેગિંગ સંબંધિત કિસ્સાઓમાં દેશમાં ૫૧ વિધાર્થીઓના મોત થયા છે, તે પૈકી ૨૩ મૃત્યુ મેડિકલ કોલેજના વિધાર્થીઓના હતા, તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતમાં વર્ષ ૨૦૨૬માં બી.જે મેડિકલ કોલેજમાં ૨ રેગિંગના કેસ, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર માં ૧ કેસ, જીએમઈઆરએસ હિંમતનગર, ગાંધીનગરમાં એક-એક કેસ , ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર, ડેન્ટલ કોલેજ વિસનગરમાં એક-એક ફરિયાદના કેસ બન્યા છે.
જો તે ફરિયાદને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરી હોત તો કદાચ તે સુરતના દીકરાનો જીવ બચી ગયો હોત. રેગિંગ રોકવા માટે મજબૂત ઇચ્છાશક્તિ જોડે ઉદાહરણરૂપી પગલાં લેવાય, ૨૪ કલાકમાં એફઆઈઆર થાય, જુનિયર વિધાર્થીઓ માટે અલગ હોસ્ટેલ, નનામી ફરિયાદ સ્વીકારાય અને એન્ટી રેગિંગ કમિટી દ્વારા કડક કાર્યવાહી થાય તો રેગિંગને રોકી શકાય છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.