Tue Aug 25 2026

Logo

સુરતમાં ભયાનક અગ્નિકાંડ: લિંબાયતમાં સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકો જીવતા ભૂંજાયા!

2026-03-31 14:16:00
Author: Mumbai Samachar Team
સુરતમાં ભયાનક અગ્નિકાંડ: લિંબાયતમાં સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકો જીવતા ભૂંજાયા!

સુરત: ડાયમંડ સિટી માટે આજનો દિવસ અમંગળ સાબિત થયો છે. શહેરના ગીચ વસ્તી ધરાવતા લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક રહેણાંક મકાનમાં 31 માર્ચના રોજ અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડ એટલો પ્રચંડ હતો કે તેમાં પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા છે. ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, જે મકાનમાં આગ લાગી ત્યાં સાડીઓનું જોબવર્ક ચાલતું હતું. આ કામને કારણે ઘરમાં જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. અચાનક આ કેમિકલના જથ્થામાં જોરદાર બ્લાસ્ટ થયો અને ક્ષણભરમાં આખું મકાન આગની લપેટમાં આવી ગયું હતું. આ ભીષણ દુર્ઘટનામાં બે લોકોના તો ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા, જ્યારે ગંભીર રીતે દાઝેલા અન્ય ત્રણ લોકોને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં પણ તબીબોની મહેનત નિષ્ફળ રહી અને ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આગની જ્વાળાઓ જોતા જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સનો કાફલો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ભારે જહેમત બાદ લપેટો શાંત પડી હતી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

આ ગંભીર બેદરકારી કે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે જોખમી કેમિકલ રાખવું તે સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કરે છે. બીજી તરફ, એકસાથે પાંચ સભ્યો ગુમાવનાર પરિવારોમાં ભારે આક્રંદ અને કરુણ દ્રશ્યો સર્જાયા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આગ લાગવા પાછળ માત્ર કેમિકલ બ્લાસ્ટ જવાબદાર હતો કે અન્ય કોઈ ટેકનિકલ ખામી.