Fri Aug 21 2026

Logo

સુનેત્રા પવારને 'ગુંગી ગુડિયા' કહેતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: કોંગ્રેસ અને NCP વિવાદ

2026-08-04 21:05:33
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી 'ગુંગી ગુડિયા' ટીકા બાદ ભારે હંગામો મચી ગયો છે. બિડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારને ‘ગુંગી ગુડિયા’ કહીને ટીકા કરતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર એનસીપી)ના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, કોંગ્રેસના પ્રદેશઅધ્યક્ષે કોંગ્રેસની ટીકાનું સમર્થન કરતા સુનેત્રા પવાર પોતે દુર્ગા છે તે સાબિત કરે તેવું આહ્વાન આપ્યું હતું. 

રાષ્ટ્રવાદી કોંગ્રેસે આ ટીકાને હકારાત્મક રીતે જોવાની જરૂર છે. “આ અંગે હંગામો કરવાની જરૂર નથી. ઇંદિરા ગાંધીને પણ 'ગુંગી ગુડિયા' કહીને ઉતારી પાડવામાં આવ્યા હતા, પરંતુ તેમણે પોતાના કર્તૃત્વથી સાબિત કરી બતાવ્યું કે તેઓ ગુંગી ગુડિયા નથી અને વાજપેયીજીએ પણ 'દુર્ગા' તરીકે તેમના વખાણ કરવા પડ્યા હતા. અમે સુનેત્રા પવાર પર ગુંગી ગુડિયા તરીકે ટીકા કરી છે, તો તેમણે પોતે 'દુર્ગા' છે તે સાબિત કરી બતાવવું જોઈએ”, એવું ખુલ્લું આહ્વાન જ સપકાળે આપ્યું છે.

સપકાળે કહ્યું કે, સુનેત્રા પવારે પોતે 'દુર્ગા' છે તે સાબિત કરવા માટે તાત્કાલિક નાણાં મંત્રાલય પોતાની પાસે લેવું જોઈએ. અજિત પવારના અકસ્માતની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે શાંત નહીં બેસીએ તેવી ભૂમિકા તેમણે લેવી જોઈએ. 

અજિત પવારે 'લાડકી બહીણ' યોજનાનું અનુદાન વધારવાનું કહ્યું હતું તે તેમણે પૂરું કરવું જોઈએ, ખેડૂતોની દેવામાફીનો નિર્ણય લેવો જોઈએ અને સ્માર્ટ મીટરનો નિર્ણય રદ કરવો જોઈએ. જો તેઓ આવું કરશે, તો અમારા આરોપો ખોટા સાબિત થશે અને મહારાષ્ટ્ર તેમને 'દુર્ગા' માન્યા વગર નહીં રહીએ.

એનસીપીના કાર્યકરોએ કોંગ્રેસની કચેરીમાં ઘૂસીને કર્યું પ્રદર્શન

મહારાષ્ટ્ર કોંગ્રેસે નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર માટે ‘ગુંગી ગુડિયા’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ ટીકા ખોટી છે અને આ શબ્દ યોગ્ય નથી તેમ કહીને સુનેત્રા પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ પક્ષની કચેરીમાં ઘૂસી ગયા હતા. યુવા નેતા સૂરજ ચૌહાણના નેતૃત્વ હેઠળ ૧૦-૨૦ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને કોંગ્રેસ વિરોધી નારા લગાવ્યા હતા અને સુનેત્રા પવાર સામે કરાયેલી ટીકાનો વિરોધ નોંધાવ્યો હતો. 

બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆઃ ફડણવીસે કાઢી ઝાટકણી

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકો અત્યંત નિમ્નસ્તરનું રાજકારણ કરી રહ્યા છે. ચર્ચામાં રહેવા માટે આ બધું ચાલી રહ્યું છે. 'બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ' જેવી એમની વિચારસરણી છે. મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિમાં આટલા નિમ્ન સ્તરે જનારા લોકોને પહેલીવાર જોઈ રહ્યા છીએ એમ ફડણવીસે જણાવ્યું હતું.

સુનેત્રા પવાર હજુ કેટલા દિવસ ‘ગુંગી ગુડિયા’ બનીને રહેશે? એવો સવાલ કોંગ્રેસ પક્ષે તેમની પોસ્ટ દ્વારા પૂછ્યો હતો. ઇંદિરા ગાંધી માટે પણ આવા જ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પોતાના કામ દ્વારા ટીકાકારોને જવાબ આપ્યો હતો. સુનેત્રા પવાર ક્યારે જવાબ આપશે? એવો આકરો સવાલ કોંગ્રેસે પૂછ્યો હતો.