મિડિયમ ગ્રેડની ખાંડે ક્વિન્ટલે રૂ. 5000ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્ર તેમ જ ઉત્તર ભારતની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે ભાવમાં માગ તથા માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા કિલોદીઠ રૂ. 10થી 50ની તેજી આગળ ધપી હતી, જેમાં મિડિયમ ગ્રેડની ખાંડના ભાવ ક્વિન્ટલે રૂ. 5000ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. તેમ જ મથકો પરનાં પ્રોત્સાહક અહેવાલે હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 20થી 30ના સુધારા સાથે રૂ. 4830થી 4882માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 10થી 50ની તેજી સાથે રૂ. 4902થી 5012ના મથાળે ગુણવત્તાનુસાર રહ્યા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ ભાવ ક્વિન્ટલે રૂ. 30 વધી આવ્યા હતા, જેમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4755થી 4805માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4825થી 4905માં થયા હતા.