Fri Sep 04 2026

Logo

15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

2026-09-01 19:53:09
Author: Mumbai Samachar Team
15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

નવી દિલ્હીઃ સ્થાનિક બજારોમાં ખાંડની ઉપલબ્ધિમાં વધારો થાય અને સટ્ટાકીય વેપારોમાં ઘટાડો થાય તે માટે સરકારે આગામી 15મી સપ્ટેમ્બરથી ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા જે હાલ 4000 ક્વિન્ટલ છે તે ઘટાડીને 2000 ક્વિન્ટલ કરવામાં આવી હોવાનું ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું. 

હવે સુધારિત જોગવાઈઓ અનુસાર ખરીદી થયાનાં 30 દિવસથી વધુ સમયગાળા સુધી ડીલરો સ્ટોક નહીં રાખી શકે, તેઓ દેશભરમાં કોઈપણ સમયે કોઈપણ જગ્યા પર 2000 ક્વિન્ટલથી વધુ માત્રામાં સ્ટોક નહીં રાખી શકે. જોકે, કોલકાતા અને તેના વિસ્તરિત મેટ્રોપોલિટિયન વિસ્તારો માટે ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં લેતા ત્યાંના ડીલરોની સ્ટોક મર્યાદા 4000 ક્વિન્ટલ યથાવત્‌‍ રાખવામાં આવી છે. 

નોંધનીય બાબત એ છે કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય કોલકાતા સહિત પૂર્વ ભારત અને ઉત્તરપૂર્વનાં રાજ્યોને પુરવઠો પૂરો પાડે છે. આથી કોલકતા અને તેનાં વિસ્તારિત મેટ્રોપોલિટિયન વિસ્તારો માટે 4000 ક્વિન્ટલની મર્યાદા જાળવી રાખવામાં આવી છે. 

સરકારે સ્થાનિકમાં ખાંડની ઉપલબ્ધતામાં વધારો કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટેનાં પગલાંના ભાગરૂપે ખાંડની સંગ્રહખોર અટકાવવા, સટ્ટાકીય વેપારોને હતોત્સાહિત કરવા સ્ટોક મર્યાદા લાદી છે. તેમ જ મિલોએ નિયમિતપણે અનાજ અને જાહેર વિતરણ વિભાગના ઓનલાઈન પોર્ટલ પર સ્ટોકની વિગતો જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. તદુપરાંત સરકાર ખાંડ મિલો, ડીલરો અને ટ્રેડરો પાસેના હાજર સ્ટોકની પ્રત્યક્ષ સ્વરૂપે ચકાસણી પણ કરી રહી છે.