મુંબઇ: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે શેરબજારમાં એક દિવસના વિરામ બાદ બુધવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૧૪ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ એકતરફ યુદ્ધ સમાપ્તિની વાતો કરી રહ્યા છે, ત્યારે ઇરાને સામે મોટા પડકારો ઊભા કર્યા છે અને હોર્મુઝ સ્ટ્રેઇટ બંધ થવાને કારણે સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડી રહ્યો છે.
સત્ર દરમિયાન સેન્સેક્સ ૧,૪૪૬.૭૨ પોઈન્ટ સુધી નીચે પટકાયા બાદ નીચી સપાટી સામેના થોડા સુધારા બાદ અંતે ૧,૩૪૨.૨૭ પોઈન્ટ અથવા ૧.૭૨ ટકા ઘટીને ૭૬,૮૬૩.૭૧ પર સ્થિર થયો હતો, જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેકસ ૩૯૪.૭૫ પોઇન્ટ ગબડીને ૨૩,૮૬૬.૮૫ની સપાટીએ સ્થિર થયો હતો.બીએસઇનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૪૭.૦૪ લાખ કરોડથી રૂ.૫.૧૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૧.૯૦ લાખ કરોડ રહ્યું હતું. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ ૫.૭૬ ટકા વધીને ૯૨.૮૬ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવથી ખરડાયેલા વૈશ્ર્વિક ઇક્વિટી બજારો પાછળ સ્થાનિક બજારોમાં વેચવાલીનું દબાણ વધી ગયું હતું.
વૈશ્ર્વિક શેરબજારમાંથી નબળા સંકેતો અને અમેરિકા તથા ઈરાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે ઊર્જા પુરવઠામાં સંભવિત વિક્ષેપ અને ફુગાવા અંગેની ચિંતાઓએ રોકાણકારોને નફો બુક કરવા પ્રેર્યા હતા. આ ઉપરાંત સતત એફઆઇઆઇની સતત વેચવાલીએ પણ ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ બગાડ્યું હતું.ક્રૂડ ઓઇલ સપ્લાયમાં સંભવિત વિક્ષેપો, વધતા ફુગાવાના દબાણ અને આર્થિક વિકાસ પર સંભવિત અસર અંગેની ચિંતા તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત વેચાણ અને રૂપિયામાં નબળાઈએ રોકાણગકારોનું માનસ ખોરવી નાંખ્યું છે.
સેન્સેક્સ કંપનીઓમાંથી, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા અને મહિન્દ્રા, મારુતિ, ભારતી એરટેલ, ટ્રેન્ટ અને કોટક મહિન્દ્રા બેંક ટોપ લૂઝર અને એનટીપીસી, સન ફાર્મા અને પાવર ગ્રીડ ટોપ ગેઇનર રહ્યા હતા.
AI Generated Images