મનન -હેમંત વાળા
સફેદમાંથી હંમેશાં સફેદનું સર્જન થાય અને મીઠાશમાંથી મીઠાશ જન્મે. સફેદમાંથી સફેદ સિવાયનો અન્ય રંગ ઉદ્ભવે ત્યારે માની લેવું કે સફેદ ઉપરાંતનો રંગ પણ સર્જનમાં સામેલ છે. જે મૂળ તત્ત્વ છે તેને અનુસારનું સર્જનનું બંધારણ હોય. આ તર્ક પ્રમાણે સમગ્ર સૃષ્ટિનું સર્જન પૂર્ણ બ્રહ્મમાંથી થયું હોવાથી સંપૂર્ણ સૃષ્ટિ પૂર્ણ હોવી જ જોઈએ, પણ આમ જણાતું નથી. સૃષ્ટિની પૂર્ણતા જાણમાં ન આવવી એ અંત:કરણની મલીનતાની સાબિતી છે. સૃષ્ટિમાં જે અપૂર્ણતા ભાસમાન થાય છે તે ભ્રમણા છે. આ ભ્રમણા પાછળ એક દ્રઢ આવરણ કારણભૂત છે.
વાસ્તવમાં આ કારણ એવું દ્રઢ છે પણ નહીં પરંતુ તે પ્રમાણેનાં વારંવારના ચિંતનથી તે દ્રઢ હોય તેમ જણાય છે. દીવો તો પ્રકાશિત જ છે, તેમાંથી નીકળતો પ્રકાશ નિર્મળ, નિષ્કલંક, શુદ્ધ, પવિત્ર, નિષ્પક્ષ, સર્વગામી, તટસ્થ, સાત્ત્વિક તેમજ સત્યના પ્રતીક સમાન છે. તેનાં પર એક ઢાંકણ મૂકી દેવામાં આવે તો પ્રકાશનો પ્રસાર બંધ થઈ જાય, પરંતુ પ્રકાશ તો ત્યાં જ રહે. પૂર્ણતા માટે પણ આમ કહી શકાય. આ આવરણ વિશે વિસ્તારપૂર્વક સનાતની શાસ્ત્રોમાં જણાવાયું છે. લક્ષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરવાનું છે અર્થાત્ આ આવરણને દૂર કરવાનું છે. આવરણ દૂર થતાં આપમેળે પૂર્ણતા પ્રકાશિત સ્વરૂપે પ્રતિત થશે.
પૂર્ણતાની અનુભૂતિ માટે પ્રજ્ઞા આવશ્યક છે. પ્રજ્ઞા એટલે એવી ઉચ્ચસ્તરીય બુદ્ધિ જે પરમ વાસ્તવિકતા સમજવા સમર્થ હોય. પ્રજ્ઞા અર્થાત્ મેધા દ્વારા આત્મા વિશે, શાસ્ત્રીય પદ્ધતિથી ચિંતન થઈ શકે. સૌપ્રથમ તો આ દિશાનો પ્રયત્ન જરૂરી છે. આગળ જતાં શાસ્ત્ર અને સદગુરુના માર્ગદર્શન હેઠળ પરિસ્થિતિ ક્રમશ: સ્પષ્ટ અને સુગમ થતી જાય. આધ્યાત્મિક પરંપરા પર વિશ્વાસ જાળવી રાખવાથી અને ‘શબદ’ પર શ્રદ્ધા રાખવાથી પ્રવાસ સરળ અને સફળ થતો જાય. વચગાળામાં ક્યાંક અડચણ અને મુશ્કેલી પણ આવે, પરંતુ આત્મવિશ્વાસથી તેને પાર કરી શકાય. અંતે મનનાં બધાં જ તરંગ સ્વરૂપ ભ્રમ દૂર થતાં જ પૂર્ણ પ્રકાશ અનુભવમાં આવે. એકવાર દરેક પ્રકારની ભ્રમણા દૂર થતાં અંતિમ લક્ષ્ય સિદ્ધ થાય.
વિશ્વાસ જરૂરી છે. ધીરજ જરૂરી છે. નિષ્ઠાપૂર્વકનો પુરુષાર્થ સતત ચાલુ રહેવો જોઈએ. સદગુરુ અને શાસ્ત્ર દ્વારા જણાવાયેલી દરેક બાબતનું શ્રદ્ધાથી અનુસરણ થવું જોઈએ. અંતિમ ધ્યેય માટે એકાગ્રતા અને નિશ્વલિતતાથી પ્રયત્નશીલ રહેવું જોઈએ. પવિત્રતા અને શુદ્ધિ જળવાઈ રહેલી જોઈએ. કોઈપણ પ્રકારનાં દ્વન્દ્વ, રાગ-દ્વેષ, મોહ-માયા, લોભ-કપટ, સ્વાર્થ-અહંકારથી દૂરી રહેવી જોઈએ. આ પ્રકારનાં ભાવ સ્વયં પૂર્ણતા પર આવરણ સમાન હોય છે. જો આ પ્રકારનાં નકારાત્મક ભાવ સ્થાપિત હોય તો આવરણ કોઈપણ સંજોગોમાં દૂર ન થઈ શકે.
પોતાના સાચાં સ્વરૂપનું જાણ થવાથી જગત અને સૃષ્ટિ સાથેનાં સંબંધનું તત્કાલ વિચ્છેદન નથી થઈ જતું. પૂર્ણતાની અનુભૂતિ થતાં પ્રકૃતિની વ્યવસ્થા માટે તાત્કાલિક વિરોધ સ્થાપિત નથી થતો. પ્રકાશની અનુભૂતિ થતાં તત્ક્ષણ અંધકાર માટે અણગમો નથી થતો. ચૈતન્યનું શાશ્વત અને અખંડ અસ્તિત્વ ધ્યાનમાં આવતા નશ્વર પ્રત્યે અણગમો નથી થતો. એમ પણ કહી શકાય કે જેમ સંપૂર્ણ સત્ય જાણમાં આવતાં અસત્યની ધારણાં જ ન રહે તેમ આધ્યાત્મિક પૂર્ણતા સ્થાપિત થતાં કોઈ વિપરીત કે વિરોધીનું અસ્તિત્વ જ ન રહે. જેમ ચારે બાજુ પ્રકાશ જ ફેલાયેલો હોય ત્યારે અંધકારની ધારણાં જ અસાંદર્ભિક બાબત બની રહે તેમ સમગ્ર સૃષ્ટિ પણ પછી ‘પૂર્ણ’ જ પ્રતીત થાય.
સનાતની સંસ્કૃતિમાં આત્મબોધ, આત્મજ્ઞાન, આત્માનુભૂતિ, આત્મપ્રતીતિનું વિશેષ મહત્ત્વ છે. અદ્વૈત સિદ્ધાંતમાં આત્માને જ અંતિમ સત્ય જણાવાય છે. દ્વૈત સિદ્ધાંતમાં આત્માને પરમાત્માના અંશ ગણવામાં આવે છે. અંતે તો બધું આત્માની ‘વાસ્તવિક ધારણા’ પર આવીને જ અટકે છે. સનાતની સંસ્કૃતિની આ વિચારધારા માનવ સમાજ માટે એક અદ્ભુત ઉપહાર સમાન છે.
આ આત્મા એટલે જ પૂર્ણતા. આત્મબોધ એટલે આત્માને લક્ષ્યમાં રાખીને કરાયેલું સૂચન. આત્મજ્ઞાન એટલે આત્મલક્ષી જ્ઞાન. આત્માનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ. આત્મપ્રતીતિ એટલે પોતાનાં આત્માની, પોતાનાં અસ્તિત્વની વાસ્તવિક પ્રતીતિ. આ અંતિમ લક્ષ્ય.
આધ્યાત્મનો પ્રવાસ કોઈપણ સ્તર પર અટકી શકે. સાધના કરનાર વ્યક્તિને ક્યારેક વિવિધ પ્રકારનાં રંગ ચારે તરફ નજરે ચડે, પ્રાથમિક સ્તરનો પ્રકાશ અનુભવમાં આવે, હવામાં તરતાં હોવાની પ્રતીતિ થાય, અતિ મધુર સંગીત સંભળાય, ક્યારેક ઇચ્છિત અનાયાસે પ્રાપ્ત થઈ જાય, સ્વયંના અસ્તિત્વમાં એક પ્રકારનું તેજ અનુભવાય કે આવી કોઈ અન્ય દિવ્ય અનુભૂતિ થાય. તે સમયે જો પ્રવાસ અટકી જાય તો પછી તે અટકી જ જાય. આધ્યાત્મના પ્રવાસમાં અટકાવ ન આવે તે જરૂરી છે. પ્રવાસ પૂર્ણતાની પ્રાપ્તિ સુધી ચાલુ રહેવો જોઈએ. અંતિમ લક્ષ્ય પૂર્ણતાનું જ હોવું જોઈએ.
આવરણને દૂર કરી પૂર્ણતાની જેને પ્રતીતિ થઈ હોય તે વ્યક્તિ અન્યને પણ તે માટે પ્રોત્સાહિત કરી શકે. જે વ્યક્તિએ મેઘધનુષ જોયું હોય તે અન્યને મેઘધનુષ જોવા માટેનું સૂચન કરી શકે. જે વ્યક્તિએ પૂર્ણ સમર્પિત ભક્તિ કરી હોય તે ભક્તિનો મહિમા અન્ય સામે ગાઈ શકે. જેણે મધની મીઠાશ ચાખી હોય તે જ અન્યને તેનાં સ્વાદ માટે પ્રેરિત કરી શકે. સત્ય તથા ધર્મને આધારે જીવન વ્યતીત કરનાર વ્યક્તિ જ સાત્ત્વિક જીવનનું મહત્ત્વ સમજાવી શકે.
સાધનામાં અમુક સ્થિતિ પર પહોંચ્યા પછી જ અન્યને સાધના વિશે માર્ગદર્શન આપી શકાય. જેણે આત્માની અનુભૂતિ કરી હોય, વાસ્તવમાં તે જ આત્માની અનુભૂતિ વિશેનું જ્ઞાન આપી શકે. અસ્તિત્વની પૂર્ણતા સંપૂર્ણતામાં જેણે જાણી હોય તે જ ‘પૂર્ણ’ને યથાર્થ સ્વરૂપે સમજી શકે, અને સમજાવી શકે. સમાજના આધ્યાત્મિક વિકાસ માટે પણ આત્મિક-પૂર્ણતાની અનુભૂતિ જરૂરી છે.