કોલકાતાઃ ટી-20 વર્લ્ડ કપનો નૉકઆઉટ રાઉન્ડ આજે શરૂ થઈ રહ્યો છે અને એમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી સેમિ ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી) માટેની સાઉથ આફ્રિકાની ટીમ લગભગ ત્રણ ફેરફાર સાથે મેદાન પર ઊતરશે એવું જાણવા મળ્યું છે. બીજી બાજુ, કિવી ટીમનો ફાસ્ટ બોલર મૅટ હેન્રી પિતા બનવાનો હોવાથી પૅટરનિટી લીવ લઈને પાછો ગયો હતો અને તે પાછો આવી ગયો છે. ટૉસ થવાને હવે બહુ સમય બાકી નથી તો ચાલો, આપણે જાણીએ કે બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન કેવી રહી શકે.
2024ના વર્લ્ડ કપના રનર-અપ સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેનો આ સેમિ ફાઇનલ જંગ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ગ્રાઉન્ડ પર થશે. બન્ને ટીમ હજી સુધી એકેય ટી-20 વર્લ્ડ કપ નથી જીત્યું એટલે આજે જીતીને જે ટીમ રવિવારની ફાઇનલમાં પહોંચશે એને પહેલી જ વખત આ તાજ જીતવાનો મોકો મળશે. બીજી રીતે કહીએ તો આજની વિજેતા ટીમ રવિવારે નવો ઇતિહાસ સર્જી શકશે.

એઇડન માર્કરમના સુકાનમાં સાઉથ આફ્રિકાની ટીમ આ ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે. માર્કરમને 2,000 ટી-20 ઇન્ટરનૅશનલ રન પૂરા કરવા માટે ફક્ત બાવન રનની જરૂર છે. આજે ઈડન ગાર્ડન્સ (EDEN GARDENS)માં રનનો ઢગલો જોવા મળશે તો નવાઈ નહીં લાગે. બીજું, આ વખતના વર્લ્ડ કપ (WC)માં 300 રન પૂરા કરનાર પ્રથમ સાઉથ આફ્રિકન બૅટ્સમૅન બનવા માટે તેને માત્ર 32 રન જોઈએ છે. ભારતીય મૂળના કિવી સ્પિનર ઇશ સોઢીને ટી-20 ઇન્ટરનૅશનલમાં ન્યૂ ઝીલૅન્ડ વતી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવા માટે ફક્ત ત્રણ વિકેટની જરૂર છે.

છેલ્લે ઝિમ્બાબ્વે સામે રમાયેલી ઔપચારિક મૅચમાંથી જે ત્રણ ખેલાડીને આરામ આપવામાં આવ્યો હતો તેઓ આજે પાછા રમતા જોવા મળશે એ લગભગ નિશ્ચિત છે. કૅગિસો રબાડા, માર્કો યેનસેન અને કેશવ મહારાજની વાપસી નક્કી છે. ઍન્રિક નોર્કિયાએ કદાચ બહાર બેસવું પડશે.
Semi-final locked in 🔒
— BLACKCAPS (@BLACKCAPS) March 3, 2026
Watch LIVE in New Zealand on @skysportnz #T20WorldCup pic.twitter.com/t0Pmh8YKMf
બન્ને દેશની સંભવિત ઇલેવનઃ
સાઉથ આફ્રિકાઃ એઇડન માર્કરમ (કૅપ્ટન), ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), રાયન રિકલ્ટન, ડેવાલ્ડ બે્રવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, માર્કો યેનસેન, કૉર્બિન બૉશ્ચ, કૅગિસો રબાડા, કેશવ મહારાજ, લુન્ગી ઍન્ગિડી.
ન્યૂ ઝીલૅન્ડઃ મિચલ સૅન્ટનર (કૅપ્ટન), ટિમ સિફર્ટ (વિકેટકીપર), ફિન ઍલન, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચૅપમૅન, ડેરિલ મિચલ, કોલ મૅકૉન્કી, જૅકબ ડફી/મૅટ હેન્રી, જિમી નીશૅમ, લૉકી ફર્ગ્યુસન.