Tue Jun 16 2026

Logo

સૌરવ ગાંગુલીએ કોલકાતા પોલીસમાં કોની વિરુદ્ધ શું ફરિયાદ કરી?

2026-06-16 18:02:32
Author: Ajay Motiwala
Article Image

કોલકાતાઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ-કૅપ્ટન, બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ અને ક્રિકેટ અસોસિયેશન ઑફ બેંગાલ (CAB)ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Ganguly)એ કોલકાતા પોલીસમાં એક ફરિયાદ (Complaint) નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે સોશ્યલ મીડિયા પરના `સૌરવ ગાંગુલી ફૅન્સ' પેજ પર તેની પ્રતિભાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ગાંગુલીએ ફરિયાદમાં સ્પોર્ટ્ઝવિકી નામના મીડિયા પ્લૅટફૉર્મનો ઉલ્લેખ પણ કર્યો છે. આ ફરિયાદ ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

ગાંગુલીએ આક્ષેપ કર્યો છે કે આ પેજ પર સતતપણે એવી પોસ્ટ શૅર કરવામાં આવે છે જે મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારી છે અને જનતામાં મારા વિશે નકારાત્મક છાપ ઉપજાવનારી છે.

ગાંગુલીએ ફરિયાદમાં કહ્યું છે કે `મંતવ્યો અને ટીકાઓ જાહેર જીવનના હિસ્સા કહેવાય, પરંતુ મારી પ્રતિષ્ઠા ખરડાવવાના હેતુથી ગેરમાર્ગે દોરતી, બદનામ કરનારી અને પ્રતિભાને નુકસાન પહોંચાડનારી બાબતો જરાય સ્વીકાર્ય ન હોય અને એની સામે યોગ્ય કાનૂની પગલાં ભરવા જ જોઈએ. તેથી હું આ પેજ ચલાવતી વ્યક્તિઓ/જૂથ વિરુદ્ધ મારી ફરિયાદ નોંધવાની તેમ જ કાનૂન મુજબ યોગ્ય પગલાં ભરવાની તમને નમ્ર વિનંતી કરું છું.'

ઉલ્લેખનીય છે કે ભારતના શ્રેષ્ઠ બૅટ્સમેનોમાં ગણાતા તેમ જ સર્વશ્રેષ્ઠ કૅપ્ટનોમાં સ્થાન પામતા ગાંગુલીએ ઑસ્ટ્રેલિયાના ગ્રેગ ચૅપલનું ભારતીય ટીમના હેડ-કોચ તરીકે આગમન થયું એ પહેલાં આક્રમક અભિગમથી ભારતીય ટીમને નવી દિશા અપાવી હતી.