Wed Sep 16 2026

Logo

સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે છેતરપિંડી સામે ટ્રસ્ટે ભક્તોને ચેતવ્યા

2026-05-26 20:30:41
Author: Pooja Shah
સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે છેતરપિંડી સામે ટ્રસ્ટે ભક્તોને ચેતવ્યા

અમદાવાદઃ ઑનલાઈન સેવાઓથી ઘણા ફાયદા મળે છે, પરંતુ સાયબર ઠગોને લીધે લોકોની છેતરામણી પણ થઈ રહી છે. આવી છેતરામણીનો ભોગ સોમનાથ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ પણ બન્યા હોવાના કિસ્સા બહાર આવતા મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને સાવચેત કર્યા છે. વીઆઈપી દર્શન અથવા સ્પેશિયલ એન્ટ્રીના નામે ઓનલાઈન ઠગાઈ થતી હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે સોમનાથ મંદિરમાં વીઆઈપી કે સ્પેશિયલ દર્શનના નામે કોઈ વ્યવસ્થા નથી, દરેક શ્રદ્ધાળુ એકસાથે દર્શન કરે છે. ટ્રસ્ટની અધિકૃત વેબસાઈટ પરથી રૂમ બુકિંગ, પૂજા કે પ્રસાદ માટે ઓનલાઈન સેવા આપવામાં આવે છે. ટ્રસ્ટને જાણમાં આવ્યું છે કે અમુક લોકો નકલી વેબસાઈટ બનાવી વીઆઈપી દર્શનના નામે લોકો પાસેથી પૈસા લઈ તેમની છેતરપિંડી કરી રહ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને તેમની સામે પગલાં પણ લેવામાં આવશે. 

સોમનાથ મંદિરમાં વર્ષે દહાડે કરોડો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. સાયબર ઠગોએ તેમને લલચાવવા નકલી વેબસાઈટ બનાવી વીઆઈપી દર્શનના નામે પૈસા પડાવ્યા હોવાનું ટ્રસ્ટના ધ્યાનમાં આવતા ટ્રસ્ટની ડિજિટલ ટીમ પણ સતર્ક થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.