Tue Oct 06 2026

Logo

અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો પ્રયાસ શરૂ થવાના સંકેત, રશિયાએ કરી ઇરાનના રાષ્ટ્રપતિ સાથે વાત

Tehran   2026-04-12 22:32:00
Author: Chandrakant Kanoja
અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો પ્રયાસ શરૂ થવાના સંકેત, રશિયાએ કરી ઇરાનના રાષ્ટ્રપતિ સાથે વાત

તહેરીન : મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઇરાનની શાંતિ મંત્રણા નિષ્ફળ ગઇ છે. જેની બાદ  શાંતિ મંત્રણાનો બીજો પ્રયાસ શરૂ થવાના સંકેત મળ્યા છે. આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઇરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી અને આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવામાં રશિયાની ભૂમિકા ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી. 

યુદ્ધને રોકવા માટે હિંસાનો તાત્કાલિક અંત લાવવો જરૂરી

આ વાતચીત દરમિયાન  પુતિને જણાવ્યું હતું કે યુદ્ધને  રોકવા માટે હિંસાનો તાત્કાલિક અંત લાવવો જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લશ્કરી કાર્યવાહીથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં અને ફક્ત રાજકીય અને રાજદ્વારી માર્ગ જ કાયમી શાંતિ લાવી શકાશે.  રશિયાના જણાવ્યા અનુસાર રશિયા તમામ પક્ષો સાથે વાતચીત દ્વારા ઉકેલ શોધવા માટે  કામ કરી રહ્યું છે અને સંઘર્ષને  ઓછો  કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.

રશિયાનું વ્યૂહાત્મક પગલુ 

રશિયા દ્વારા કરવામાં આવેલી આ પહેલને ફક્ત એક નિવેદન તરીકે નહીં  પરંતુ એક વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.  પુતિન અગાઉ ખાડી  ક્ષેત્રના વિવિધ દેશો અને નેતાઓ સાથે સંપર્કમાં રહ્યા છે. આ સંકેત આપે છે કે રશિયા આ કટોકટીમાં  વૈશ્વિક મંચ પર તેની ભૂમિકાને મજબૂત બનાવવા માંગે છે. 

પશ્ચિમ એશિયામાં વધતી અસ્થિરતાએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી 

આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં વધતી અસ્થિરતાએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. ઇઝરાયલ અને પ્રદેશના અન્ય ભાગોમાં ચાલી રહેલા હુમલાઓએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે. આનાથી માત્ર પ્રાદેશિક સુરક્ષા જ નહીં પરંતુ વૈશ્વિક ઉર્જા પુરવઠા પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે તેવી આશંકા વધી ગઈ છે. આ જ કારણ છે કે મોટી વિશ્વ સત્તાઓ હવે આ કટોકટીને ઝડપથી ઉકેલવા માટે સક્રિયપણે એકત્ર થઈ રહી છે.