નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો 14મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયો હતો. આ રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સનો 1 રનથી વિજય થયો હતો. ગુજરાતે 20 ઓવરમાં 210 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હી 209 રન બનાવી શકી હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે દિલ્હી સામે 70 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે એવી ઉપલબ્ધિ મેળવી હતી કે ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા અન્ય કોઈ ખેલાડી આમ કરી શક્યો નથી.
ગુજરાત તરફથી રમતા 2500 રન બનાવ્યા
ગુજરાત ટાઈટન્સની ટીમના કેપ્ટન શુભમન ગિલે 2022ની આઈપીએલ સીઝનમાં આ ફ્રેન્ચાઈઝી તરફથી રમવાનું શરૂ કર્યું હતું. તે અત્યાર સુધીમાં 62 મેચ રમી ચુક્યો છે. જેમાં 46.50ની સરેરાશથી 2558 રન બનાવ્યા છે. તેના બેટમાંથી 4 સદી અને 17 અડધી સદી નીકળી છે. ગુજરાત ટાઈટન્સ તરફથી આઈપીએલમાં રમતો કોઈ ખેલાજી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. ગિલે આઈપીએલ ડેબ્યૂ કેકેઆર તરફથી રમતા કર્યું હતું.જે બાદ તે 120 મેચમાં 3975 રન બનાવી ચુક્યો છે.
ગેલ અને વોર્નરની ક્લબમાં થયો સામેલ
આ ઉપરાંત શુભમન ગિલ સૌથી ઓછી ઈનિંગમાં 500 બાઉન્ડ્રી મારવાના મામલે પાંચમો સૌથી ઝડપી ખેલાડી બન્યો હતો. આ રેકોર્ડ ગેલના નામે છે, તેણે માત્ર 87 ઈનિંગમાં આ આંકડો પૂરો કર્યો હતો. ગિલે 120 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે 382 ચોગ્ગા અને 124 છગ્ગા માર્યા છે.
ક્રિસ ગેલઃ 87 ઈનિંગ
જોસ બટલરઃ 101 ઈનિંગ
ડેવિડ વોર્નરઃ 105 ઈનિંગ
કેએલ રાહુલઃ 105 ઈનિંગ
શુભમન ગિલઃ 117 ઈનિંગ