Sun Sep 06 2026

Logo

હર્ષ સંઘવીએ મોદીના વતન વડનગરમાં ડમરું વગાડ્યું, પગપાળા ચાલીને ભક્તિમય માહોલમાં જોડાયા

2026-08-14 09:40:00
Author: Vimal Prajapati
હર્ષ સંઘવીએ મોદીના વતન વડનગરમાં ડમરું વગાડ્યું, પગપાળા ચાલીને ભક્તિમય માહોલમાં જોડાયા

વડનગરઃ શિવભક્તિના પવિત્ર અને શ્રેષ્ઠ ગણાતા શ્રાવણ માસનો 13 ઓગસ્ટથી મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સાથે જ સમગ્ર ગુજરાત શિવમય વાતાવરણમાં લીન થઈ ગયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ ધામથી લઈને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યભરના નાના-મોટા શિવાલયો ‘હર હર મહાદેવ’, ‘ઓમ નમઃ શિવાય’ અને ‘બમ બમ ભોલે’ના ભક્તિમય જયઘોષથી ગૂંજી ઊઠ્યા છે.

ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આ વખતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. ગુજરાત સરકારના ઉપક્રમે પવિત્ર શર્મિષ્ઠા તળાવના કિનારેથી 'વડનગર શ્રાવણોત્સવ'નો શાનદાર પ્રારંભ કરાયો હતો.

 

108 નિષ્ણાત કલાકારો સાથે 'ડમરુ યાત્રા' નીકળી

રાજ્યના ગૃહ પ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ સાંસ્કૃતિક ઉત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરી મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય 'ડમરુ યાત્રા'ને લીલી ઝંડી આપી રવાના કરી હતી. આ યાત્રામાં 108 નિષ્ણાત કલાકારોએ એકસાથે ડમરુ વાદન કરી સમગ્ર વાતાવરણને આ અલૌકિક ધૂનથી શિવમય બનાવી દીધું હતું.

 

આ ભક્તિમય પદયાત્રા શર્મિષ્ઠા તળાવથી શરૂ અને પછી અર્જુન બારી, ભગતના ગલ્લા, જૂના ચાચર તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર જેવા ધાર્મિક સ્થળો પરથી પસાર થઈને શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, અહીં આ ભક્તિમય પદયાત્રાને સંપન્ન કરવામાં આવી હતી. 

 

હર્ષ સંઘવીએ વડનગરની ખાસ હેરિટેજ રિક્ષાની સવારી કરી

શ્રી હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કર્યા બાદ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સ્વહસ્તે ભક્તોને પ્રસાદીનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ તેઓ વડનગરની ખાસ હેરિટેજ રિક્ષામાં સવાર થઈને વડનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટેશનની સુવિધાઓની સમીક્ષા કરી હતી. રેલવે સ્ટેશનથી તેઓ ફરી રિક્ષા મારફતે તોરણ હોટેલ પહોંચ્યા હતા. લોકલ વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને નગરજનોને પરિવાર સાથે આ ભવ્ય વિરાસત ઉત્સવનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.