Mon Sep 14 2026

Logo

શિલ્પા શેટ્ટીનો 'Bastian Club' ફરી વિવાદમાં, ક્લબની અંદરનો અશ્લીલ વીડિયો થયો વાઈરલ...

2026-05-19 20:30:07
Author: Darshana Visaria
શિલ્પા શેટ્ટીનો 'Bastian Club' ફરી વિવાદમાં, ક્લબની અંદરનો અશ્લીલ વીડિયો થયો વાઈરલ...

પુણેની નાઈટલાઇફ સંસ્કૃતિ અને પબ કલ્ચર ફરી એકવાર વિવાદના વંટોળમાં સપડાયું છે. પ્રખ્યાત બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સાથે કનેક્શન ધરાવતા પુણેના એક હાઈ-પ્રોફાઈલ ક્લબનો કથિત વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થતાં કાયદો-વ્યવસ્થા અને યુવાધન પર તેની અસરોને લઈને મોટા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, ચાલો તમને જણાવીએ આખી સ્ટોરી શું છે એ- 

પુણેના મુંઢવા વિસ્તારમાં આવેલો પ્રખ્યાત અને વૈભવી 'બેસ્ટિયન ક્લબ' ફરી એકવાર ગંભીર વિવાદોના ઘેરામાં આવી ગયો છે. બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સાથે સંકળાયેલા આ હાઈ-પ્રોફાઈલ ક્લબનો એક કથિત અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાઈરલ થતાં હોબાળો મચી ગયો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ક્લબની અંદર કાન ફાડી નાખે તેવા લાઉડ મ્યુઝિક, ડાન્સ ફ્લોર પર યુવાનોની ભારે ભીડ અને નશામાં ધૂત યુવાનો ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં વીડિયોના આધારે જ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેટલાક યુવક-યુવતીઓ હજારો લોકોની હાજરીમાં સાર્વજનિક સ્થળે અત્યંત વાંધાજનક અને અશ્લીલ વર્તન કરી રહ્યા છે.

આ ઘટના સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પુણેના સ્થાનિક નાગરિકો અને વાલીઓમાં વહીવટી તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. નેટીઝન્સે પુણેમાં સતત વધી રહેલી અને બેકાબૂ બનતી જતી પબ સંસ્કૃતિ સામે મોરચો માંડ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પુણે પોલીસને ટેગ કરીને આ મામલે તાત્કાલિક કડક તપાસ કરવા અને ક્લબના સંચાલકો સામે કડક કાનૂની પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

જોકે, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો ક્યારનો છે અને તેની પાછળની અસલી સત્યતા શું છે, તે બાબતે હજુ સુધી કોઈ ઓફશિયલ માહિતી એક્ટ્રેસ કે તેની ટીમ દ્વારા ક્લેરિફિકેશન આપવામાં આવ્યું નથી. પરંતુ આ ઘટનાએ મહારાષ્ટ્રના કલ્ચર સિટી ગણાતા પુણે શહેરની નાઇટલાઇફ, મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓ અને યુવાનોમાં વધતા જતા નશાના ક્રેઝ પર ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી દીધી છે.