ગૌરવ મશરૂવાળા
આપણું મન ચંચળ છે. એમાંય વાત રૂપિયા-પૈસાની હોય ત્યારે મનમાં અનેક પ્રકારની લાગણીઓ જાગે છે. તેથી મન અસ્થિર થઈ જાય છે. આ અસ્થિરતા માનસિક શાંતિ હણી લે છે. નથી આપણે આપણો વર્તમાન માણી શકતા કે નથી જાતમહેનતથી એકઠી કરેલી સંપત્તિનો આનંદ ઉઠાવી શકતા.
ધનદોલત કમાયા પછી અને સંપત્તિનું સર્જન કર્યા પછીય બેચેની, લાલચ, અહમ્, અસલામતી જેવી લાગણીઓ ઉછાળા મારતી રહે છે. માનસિક શાંતિ મેળવવાના અને આનંદમાં રહેવાની લાયમાં આપણે પૈસા પાછળ ભાગતાં રહીએ છીએ. તેથી જ આપણાં શાસ્ત્રોમાં સંપત્તિને શી રીતે માણવી તે વિશે કરવામાં આવેલા નક્કર દિશાસૂચન આપણને ખૂબ ઉપયોગી નીવડી શકે તેમ છે.
સૌથી પહેલાં તો સંપત્તિની વ્યાખ્યા આપણે સમજીએ છીએ તેના કરતાં ઘણી વધારે વ્યાપક અને બહુપરિમાણી છે. સંપત્તિના મુખ્યત્વે ચાર પ્રકાર છે: શારીરિક સંપત્તિ (આપણું સ્વાસ્થ્ય), સામાજિક સંપત્તિ (જીવનસાથી, પરિવાર, મિત્રો, સગા-સંબંધીઓ અને સમાજ સાથેના આપણા સંબંધો), માનસિક અથવા ભાવનાત્મક સંપત્તિ તેમ જ આર્થિક સંપત્તિ.
આ ચારમાંથી જો એક સંપત્તિ પણ સંતુલિત નહીં હોય તો આપણે બાકીના ત્રણનો આનંદ ઉઠાવી નહીં શકીએ. યોગ એટલે તાલમેલ, સંવાદિત, જ્યારે આ ચારેય પ્રકારની સંપત્તિ વચ્ચે પૂરેપૂરો તાલમેલ સર્જાય છે ત્યારે જ આપણે આધ્યાત્મિક સંપત્તિ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનીએ છીએ. આધ્યાત્મિક સંપત્તિ એટલે દિવ્ય આનંદ, આપણા માંહ્યલા અને બાહ્ય વ્યક્તિત્વ વચ્ચે સર્જાતી સંપૂર્ણ સંવાદિતા. ધનસંપત્તિનો ખરો આનંદ માણવા માટે આધ્યાત્મિક જાગૃતિ અને માનસિક શાંતિ ખૂબ જરૂરી છે.
માનસિક શાંતિ પ્રાપ્ત કરવાનો એક રસ્તો ધ્યાન ધરવાનો છે. ધ્યાન કરવાની ઘણી પદ્ધતિઓ છે. અલબત્ત, ધ્યાનની સાચી રીત કે ખોટી રીત જેવું કશું હોતું નથી. જેનાથી આપણને માનસિક શાંતિ મળે તે રીત સાચી. કોઈને ચિત્રકળા કે સંગીતમાંથી શાંતિ મળે છે, કોઈનું મન કસરત કરવાથી શાંત થાય છે, કોઈને વળી દરિયાકાઠે ચાલવાથી શાતા વળે છે, શક્યતાઓ અપાર છે, જેના થકી આંતરિક શાંતિનો અનુભવ થતો હોય, મન-વચન-કર્મની શુદ્ધતા જળવાઈ રહેતી હોય તેમ જ કોઈને હાનિ પહોંચતી ન હોય તેવી કોઈ પણ પ્રવૃત્તિ ધ્યાનનું જ એક સ્વરૂપ છે.
પુસ્તકનો આ વિભાગ સંપત્તિ અંગેના ચિંતન વિશેનો જ છે. સંપત્તિનું ધ્યાન ધરવાની બે પદ્ધતિઓની ચર્ચા હવે પછીનાં પ્રકરણોમાં કરવામાં આવી છે. એક છે, મા લક્ષ્મીની આરાધના. લક્ષ્મીદેવીનો આદર કરવો, એમની ઉપાસના કરવી. બીજી રીત છે, માંહ્યલામાં નજર કરીને આત્મજ્ઞાનની કામના કરવી. અગાઉ ધ્યાનના જે પ્રકારોના ઉલ્લેખ કર્યા-સંગીત, ચિત્રકળા, એક્સરસાઈઝ વગેરે - તે આખરે તો આ બેમાંથી કોઈ એક પદ્ધતિ તરફ જ આપણને દોરી જશે.
ભગવદ્ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ વિશે ચર્ચા કરવામાં આવી છે. લક્ષ્મીદેવીની આરાધના કરવી અને તેમનો આદર કરવો તે ભક્તિયોગ છે. આત્મજાગૃતિ, આત્મમંથન એ જ્ઞાનયોગ છે. પ્રત્યેક ધર્મ અને સંપ્રદાય જીવન જીવવા માટેના અનેક રસ્તા બતાવે છે. મેં અગાઉ કહ્યું તેમ, સાચો રસ્તો અને ખોટો રસ્તો જેવું કશું હોતું નથી. અમુક માર્ગ ચડિયાતો અને અમુક માર્ગ ઊતરતો એવુંય કશું હોતું નથી, જે માર્ગ આપણને માનસિક શાંતિ તરફ દોરી જાય એ જ માર્ગ આપણા માટે શ્રેષ્ઠ.
આપણાં શાસ્ત્રોમાં લક્ષ્મીદેવીની ઉપાસના કરવાની રીતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતોને, અલબત્ત, અંતિમ ગણી લેવાની જરૂર નથી, પણ આપણે તેને દિશાસૂચન તરીકે સ્વીકારીને એક શરૂઆત ચોક્કસપણે કરી શકીએ.
આત્મજાગૃતિ વિશે વિગતવાર ચર્ચા કરવી જરૂરી છે. લક્ષ્મીદેવીની ઉપાસના અને આત્મજાગૃતિ આ બન્ને પાસાં ધ્યાનમાં લેવાં જોઈએ.
શાસ્ત્રો વાંચીએ ત્યારે સમજાય છે કે આપણાં શાસ્ત્રોમાં સંપત્તિની ક્યાંય ટીકા કરવામાં આવી નથી. સંપત્તિને લીધે ક્ષોભ અનુભવવાની કે સંપત્તિને સંતાડવાની કોઈ જરૂર જ નથી. સંપત્તિની સંકલ્પના આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી વધારે ભવ્ય છે.
તે જ રીતે, ધ્યાન અથવા ધ્યાનનો વ્યાપ પણ ઘણો મોટો છે. ધ્યાન કે ભક્તિ એટલે કેવળ ધર્મસ્થળે જઈને પૂજા કરવી એમ જ નહીં, ધ્યાન એટલે સફેદ કે ભગવાં કપડાં પહેરીને અને આંખો બંધ કરીને પદ્માસન વાળીને બેસવું એમ પણ નહીં. ધ્યાનનો સંબંધ આપણા મન સાથે છે, મનની ચંચળતાને શાંત કરવા સાથે છે.