મુંબઈ: આગામી રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. શું શરદ પવાર મહા વિકાસ આઘાડીને ફાળવવામાં આવેલી એકમાત્ર બેઠક માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) તરફથી મેદાનમાં ઉતરશે કે કોઈ નવો ચહેરો હશે? એ તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત છે, ત્યારે ગઈકાલના અડધી રાત્રે 'સિલ્વર ઓક'માં કવાયત હાથ ધરવામાં આવી હતી.
રાજકીય વર્તુળોમાં ચર્ચા શરુ થઈ છે કે શું રાજ્યસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી ટકશે કે પછી મહાયુતિ કોઈ યુક્તિ રમીને એમવીએ પાસેથી સાતમી બેઠક કબજે કરશે. ગઈકાલે મોડી રાત્રે શરદ પવારના 'સિલ્વર ઓક' નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં NCP પવાર જૂથના અગ્રણી નેતાઓ, જયંત પાટિલ, જીતેન્દ્ર આવ્હાડ અને શશિકાંત શિંદે હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન રાજ્યસભાની ચૂંટણી માટેની રણનીતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નેતાઓએ પવારને ફરી એકવાર રાજ્યસભામાં જવા વિનંતી કરી હતી, પરંતુ પવાર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યા વિના મૌન રહ્યા હતા.
ઉમેદવારી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાને બદલે, શરદ પવારે તેમના નેતાઓને "પહેલા મહા વિકાસ આઘાડીના અન્ય ઘટક પક્ષો (ઠાકરે જૂથ અને કોંગ્રેસ) સાથે આ બેઠક બાબત ચર્ચા કરવાની સૂચના આપી છે. તેથી સ્પષ્ટ છે કે આ બેઠક કોને મળશે અને ઉમેદવાર કોણ હશે તે અંગેનો નિર્ણય હવે MVA દ્વારા સામૂહિક ચર્ચા પછી જ લેવામાં આવશે.
શરદ પવારના મૌનથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. MVA પાસે એક બેઠક જીતવા માટે પૂરતી તાકાત છે. ઠાકરે જૂથે પણ આ બેઠક માટે દાવો કર્યો છે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે સાથી પક્ષો નારાજ ન થાય તે માટે પવાર સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. હવે, મહાવિકાસ આઘાડીની બેઠકમાં ખરેખર શું નિર્ણય લેવામાં આવશે તેના પર બધાનું ધ્યાન છે.